‘જો હું ચૂંટણી ના જીત્યો તો દેશમાં લોહીની નદીઓ વહેશે..’: ડોનાલ્ડ ટ્રમ્પે આપી ખુલ્લી ધમકી

અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના માહોલ વચ્ચે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એવી ધમકી આપી હતી જેના વિશે જાણી સૌ કોઈના હોંશ ઊડી ગયા હતા. ઓહિયોમાં એક રેલીને સંબોધતાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે નવેમ્બરમાં અમેરિકી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની સૌથી મહત્ત્વની તારીખ આવી રહી છે. જો હું ચૂંટણી ન જીત્યો તો દેશમાં લોહીની નદીઓ વહેશે. તેમણે કહ્યું કે સ્થિતિ તેનાથી પણ ગંભીર થઈ શકે છે.
પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ વાત કહીને ધમકી આપી છે કે પછી તેમનો ઈશારો કોઈ બીજી તરફ હતો તે હજુ સ્પષ્ટ થયું નથી. તેઓ ખાસ કરીને અમેરિકાના ઓટોમોબાઇલ ક્ષેત્ર વિશે વાત કરી રહ્યા હતા તેવું લાગે છે. જોકે આ મામલે બાઈડન સરકારનું નિવેદન આવ્યું છે. તેમનું કહેવું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન લોકોને ફરી એકવાર 6 જાન્યુઆરી જેવી સ્થિતિ દેખાડવા માગે છે.
ટ્રમ્પે કહ્યું કે 5 નવેમ્બરની તારીખ યાદ રાખજો. આ અમેરિકન ઈતિહાસની સૌથી યાદગાર તારીખ બની જશે. તેમણે બાઈડનને અમેરિકી ઈતિહાસના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ પણ કહ્યા હતા. આ દરમિયાન ટ્રમ્પે અમેરિકાના ઓટોમોબાઈલ ઉદ્યોગનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે હું ફરીવાર ચૂંટાઈશ તો ચીનથી આયાત કરેલા કોઈપણ વાહનને અમેરિકામાં વેચવા નહીં દઉં. ઉલ્લેખનીય છે કે મેક્સિકોમાં ચીન દ્વારા પ્લાન્ટની સ્થાપના કરીને કાર નિર્માણ કરી અમેરિકામાં વેચવાની યોજના બનાવાઈ રહી છે.










