GUJARATJETPURRAJKOT

Jetpur: જેતપુરના અમરનગર ગામે શેઢાની તકરારમાં પિતરાઈ ભાઈ સહિત ચાર શખ્સોનો ખેડૂત વૃદ્ધ પર ખૂની હુમલો

તા.૨૮/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot, Jetpur: રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના અમરનગર ગામે છેલ્લા ત્રણ વર્ષથી સેઢા બાબતની તકરાર ચાલી આવતી હોય તેનો ખાર રાખી વાડીએ ઢોરને નિરણ નાખવા ગયેલા ખેડૂત વૃધ્ધ પર પિતરાઈ ભાઈ સહિત ચાર શખ્સોએ કુહાડી, ભાલુ, ધોકા, પાઈપ વડે હુમલો કરી બન્ને પગ ભાંગી નાખ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ જેતપુરના અમરનગર વડાલીયા શેરીમાં રહેતા ખેડૂત છગનભાઈ ડાયાભાઈ મોરવીઆ (ઉ.૬૦) નામના પટેલ વૃધ્ધે જેતપુર તાલુકા પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે અમરનગર ગામે રહેતા પિતરાઈ સુનિલ ચંદુભાઈ મોરવીયા, રાહુલ ચંદુભાઈ મોરવીયા, કરશન નાનજીભાઈ મોરવીયા અને ગીરધર રવજીભાઈ મોરવીયાના નામ આપ્યા છે.પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી અને તેના કાકાના દિકરા સુનિલ અને રાહુલ સાથે ત્રણ વર્ષથી સેઢા બાબતની તકરાર ચાલી આવે છે. અગાઉ પણ બે ત્રણ વાર માથાકુટ થઈ હતી.

ગઈકાલે ફરિયાદી પોતાનું બાઈક લઈ વાડીએ માલઢોરને નીરણ નાખવા માટે ગયા હતાં ત્યારે વાડી પાસે સુનિલનો ભેટો થઈ જતાં સુનિલે ફરિયાદી પર પાઈપ વડે હુમલો કર્યો હતો પરંતુ ફરિયાદી વૃધ્ધ ત્યાંથી છટકી બાઈક લઈ ઘરે જવા નીકળ્યા હતાં.

દરમિયાન ગામના પાદરમાં અન્ય આરોપી રાહુલ, કરશનભાઈ અને ગીરધરભાઈ ઘાતક હથિયાર સાથે ધસી આવ્યા હતાં અને પીછો કરી રહેલા સુનિલ સહિત ચારેય શખ્સોએ ખેડૂત વૃધ્ધ પર ઘાતક હથિયાર વડે હુમલો કરી બન્ને પગ ભાંગી નાખ્યા હતાં. આ બનાવ વખતે ગામના લોકો ભેગા થઈ જતાં હુમલાખોરો નાસી છુટયા હતાં. આ બનાવ અંગે જેતપુર તાલુકા પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે અને હુમલાખોરોની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button