
14 મે 2024ના રોજ, રાજપીપળાના પોઈચા નિલકંઠ ધામ સ્વામિનારાયણ મંદિર ખાતે સુરતથી પ્રવાસીઓ આવ્યા હતા, જેમાંથી આઠ લોકો નર્મદા નદીમાં સ્નાન કરવા પડ્યા હતા, અને અચાનક તણાઈ ગયા હતા. સ્થાનિક બોટ ચાલકોએ એકને બચાવેલ જ્યારે સાત લોકો ડૂબી ગયેલ. ભોગ બનનાર લોકોમાં (1) આર્યન ઝીઝાળા (7 વર્ષ), (2) વ્રજ બલદાણિયા (11 વર્ષ), (3) આરનવ બલદાણિયા (12 વર્ષ), (4) મૈત્ર્ય બલદાણિયા (15 વર્ષ), (5) ભાર્ગવ હદિયા (15 વર્ષ), (6) ભાવેશ હદિયા (15 વર્ષ) તો (7) ભરતભાઈ બલદાણિયા (45 વર્ષ)નો સમાવેશ થાય છે. સુરતથી 17 પ્રવાસીઓ પોઈચા આવ્યા હતા. સુરત ખાતે ભાગવત કથા બેસાડી હતી, ત્યારબાદ નર્મદા નદીમાં પવિત્ર સ્નાન માટે સગા-સંબંધી સહિત બધા આવ્યા હતા.
પોઈચામાં નર્મદા નદીના કાંઠે સ્વામિનારાયણ સંપ્રદાયે મિનિ ડિઝનીલેન્ડ બનાવ્યું છે. લોકો ધાર્મિક લાગણીના કારણે તથા આનંદપ્રમોદ માટે પોઈચા જાય છે. મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે, ત્યારે મંદિર તરફથી જે તકેદારી લેવી જોઈએ તે લેવાઈ નથી, તેમ આવી દુર્ઘટના પરથી લાગે છે. તંત્રએ પણ નર્મદા નદીના કાંઠે પ્રવાસધામ બનાવવાની મંજૂરી આપી હશે ત્યારે તેમાં કોઈ શરતો મૂકી નહીં હોય? સ્વામિનારાયણના મંદિરો/ અક્ષરધામોના કારણે પ્રવાસ ઉદ્યોગનો વિકાસ થયો છે, પરંતુ ઉદ્યાગ સાથે જે જવાબદારીઓ નીભાવવાની હોય તેનાથી આ સંપ્રદાય દૂર રહે છે ! તેઓ એવું માને છે કે ‘કોઈનો જીવ જશે તો તે અક્ષરધામ પામશે !’ દુખની વાત એ છે કે લોકોને પણ કંઈ વાંધાજનક લાગતું નથી !
આ દુર્ધટના બન્યાના ત્રીજા દિવસે 16 મે 2024ના રોજ ચોંકાવનારા સમાચાર જાણવા મળ્યા. 2016માં, આણંદના રીંઝા ગામે નદીના કિનારે પોઈચા જેવો મંદિર બનાવવાનો પ્રોજેક્ટ બનાવવામાં છેતરપિંડી કરવા સબબ જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત જે. કે. સ્વામી સામે સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે !
સ્વામિનારાયણ મંદિરો/ અક્ષરધામો કોઈપણ જાતના રો મટિરિયલ વિના આવક માટેની ઈન્ડસ્ટ્રીઝ છે; એટલું લોકો કેમ સમજતા નહીં હોય? નાનપણથી ધાર્મિક વાતાવરણમાં ઉછેર પામેલા લોકોમાં ધર્મઘેલછા હોય છે. આ ધર્મઘેલછાનો ચતુર સ્વામીઓ બરાબર ઉપયોગ કરી પોતાના મંદિરો/ ગુરુકુળો/ અક્ષરધામો ઊભા કરી વધુ આવક મેળવે છે ! માયાનો ત્યાગ કરવાના પ્રવચનો આપનારા વધુને વધુ સંપત્તિ એકત્ર કરતા જાય છે અને આ સંપત્તિના કારણે સંપ્રદાયમાં ફાંટાઓ પડતા જાય છે. અનેક ફાંટાઓમાં વહેંચાયેલો આ સંપ્રદાય લોકોને ઉપદેશ આપે ત્યારે તે ઉપદેશ લોકોને સ્પર્શે ખરો? સ્વામીઓનો વાંક છે જ પરંતુ સૌથી વધુ વાંક તો ધર્મઘેલછા વાળા લોકોનો છે ! ધર્મ/ સંપ્રદાયોની ચાલાકી જૂઓ : ધર્મ માણસને અન્યાય સહન કરવાનું શીખવે છે, અન્યાયનો વિરોધ કરવાનું શીખવતો નથી !rs

[wptube id="1252022"]