આણંદ નગરપાલિકા વિસ્તારમાં વેસ્ટ કલેક્શન વાન દ્વારા ઓડિયો ક્લિપના માધ્યમથી મતદાર જાગૃતિ અભિયાન

આણંદ નગરપાલિકા વિસ્તારમાં વેસ્ટ કલેક્શન વાન દ્વારા ઓડિયો ક્લિપના માધ્યમથી મતદાર જાગૃતિ અભિયાન

તાહિર મેમણ -આણંદ – 06/04/2024- લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ માટેનું મતદાન આગામી ૭ મી મે ના રોજ આણંદ જિલ્લામાં યોજાનાર છે, જેને ધ્યાને લઈ આણંદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર આણંદ જિલ્લામાં મતદારોને મતદાન કરવા પ્રેરાય તે માટે વિવિધ કાર્યક્રમો દ્વારા મતદાર જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
મતદાર જાગૃતિ અભિયાનના જિલ્લાના નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણાધિકારી સાથે સંકલન કરીને આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર એસ.કે. ગરવાલ દ્વારા આણંદ નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા જળવાય તે માટે ઘેર-ઘેર, ગલીએ-ગલીએ ફરતા વેસ્ટ કલેક્શન વાનના માધ્યમથી ઓડિયો ક્લિપ પ્રસારીત કરીને મતદારોને જાગૃત કરવામાં આવી રહયાં છે. આ વેસ્ટ કલેકશન વાન દ્વારા ‘‘આગામી ૭ મી મેના રોજ ચૂંટણીના દિવસે મતદાન જરૂરથી કરજો’’ નો સંદેશ ઘર – ઘર સુધી પહોંચી રહયો છે.
મતદાન જાગૃતિના વેસ્ટ કલેક્શન વાનના ઉપયોગની વિગતો આપતાં શ્રી ગરવાલએ જણાવ્યું હતુ કે, હાલમાં પાંચ જેટલી વેસ્ટ કલેક્શન વાનના માધ્યમથી આણંદ નગરપાલિકા વિસ્તારમાં મતદાર જાગૃતિ અભિયાનનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત વાન જે વિસ્તારમાં જાય તે વિસ્તારમાં ઓડિયો ક્લિપના માધ્યમથી મતદારોને મતદાન જરૂરથી કરજો તેવો સંદેશો આપવામાં આવી રહ્યો છે.
આણંદ નગરપાલિકા દ્વારા વધુ ૨૫ વેસ્ટ કલેક્શન વાન મળી એટલે કે કુલ ૩૦ વેસ્ટ કલેક્શન વાનના માધ્યમથી આણંદ નગરપાલિકાના તમામ વિસ્તારો ખાતે મતદાનના દિવસ સુધી મતદાર જાગૃતિ કાર્યક્રમ ચાલુ રહેશે અને આણંદ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે માટેના કાર્યમાં નગરપાલિકા પણ સહભાગી બની રહી છે તેમ ઉમેર્યું હતું.









