
ગોમટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સરદાર વલ્લભભાઈ વિનય મંદિર હાઈસ્કુલના સંયુક્ત ઉપક્રમે “તમાકુ નિષેધ કાર્યક્રમ” યોજાયો
વિદ્યાર્થીઓને વક્તૃત્વ સ્પર્ધાના આયોજન સાથે વ્યસનના સેવનથી સ્વાસ્થ્યને થતા નુકસાન અંગે કરાયા માહિતગાર
Rajkot,Gondal: ગોંડલ તાલુકાના ગોમટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સરદાર વલ્લભભાઈ વિનય મંદિર હાઈસ્કુલના સંયુક્ત ઉપક્રમે “તમાકુ નિષેધ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓને વ્યસન કરવાથી સ્વાસથ્યને થતા નુકસાન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ તકે ડો. મિલન હાપલિયાએ વ્યસનને કારણે થતી ગંભીર બીમારીઓ અંગે વિદ્યાર્થીઓને જાણકારી આપતાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે યુવાવર્ગ કામના ભારણને આગળ ધરીને તણાવથી મુક્ત થવા માટે તમાકુ અને સિગરેટ જેવા વ્યસનનું સેવન કરવાની શરૂઆત કરતો હોય છે અને જોત-જોતામાં વ્યસન કરવાની તેમને આદત પડી જતી હોય છે. જે સમાજ માટે ચિંતા અને ચિંતનનો વિષય છે. તમાકુ અને સિગરેટમાં નિકોટીન નામનું તત્વ રહેલું હોય છે. જે શરીરને થાક અને તણાવમુક્ત કરવા ૧૦ મિનિટ માટે આરામ આપતું હોય છે. પરંતુ લાંબા ગાળે નિકોટીન શરીરને ભારે નુકસાન પહોચાડતું હોય છે. નિકોટીનના કારણે બ્રેઈન સ્ટ્રોક, ફેફસા, હદય રોગ, કેન્સર જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. વધુમાં ડો. હાપલિયાએ વિદ્યાર્થીઓને ક્ષણિક મજા માટે સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડતા વ્યસનથી દૂર રહેવા, મિત્રો, પરિજનો અને આપણી સાથે જોડાયેલા લોકોને વ્યસનનું સેવન ન કરે તે માટે જાગૃતિ ફેલાવવાની પ્રેરણા આપી હતી. તેમજ વિટામીનથી ભરપુર આહાર લેવા, યોગને જીવનનો ભાગ બનાવવા, પૂરતી ઊંધ અને પુરતા પ્રમાણમાં પાણી પીવા કહ્યું હતું.
નોંધનીય છે કે, આ અવસરે “તમાકુ નિષેધ” વિષય ઉપર વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા થનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ગોમટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ, શાળાના આચાર્યશ્રી બ્રીજેશભાઈ ભાણવડિયા, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા.