
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
નવસારી જિલ્લાનાં ચીખલીમાં થાલા કોલેજ સર્કલ નહેર પાસે ખૂંધ પોકડાના નિવૃત પોલીસ એએસઆઈ ના પુત્ર ઉપર જીવલેણ હુમલો કરાતા તેનું મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જાણ થતાં નવસારી જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતક વિનય પટેલના પરિવારજનો હત્યાના આરોપીઓ ન પકડાય ત્યાં સુધી લાશ નો કબ્જો લેવા ઈન્કાર કર્યો છે. જ્યારે ઘટના સ્થળે પહોંચેલી પોલીસની ટીમે મોટર સાઇકલ પર આવેલા ત્રણ ઇસમોને પકડવાના ચક્રો ગતિમાન કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગત રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં કોલેજ સર્કલથી વસુધારા ડેરી આલીપોર નેશનલ હાઇવે ને જોડતા માર્ગ ઉપર આવેલ નહેર પાસે મૂળ ખુંધ પોકડાના અને હાલે થાલાની શુભેચ્છા સોસાયટીમાં રહેતા નિવૃત પોલીસ કર્મચારીનો પુત્ર વિનલ છીબુભાઈ પટેલ ઉ.વર્ષ 40 પર બે મોટર સાયકલ પર આવેલા ત્રણ જેટલા અજાણ્યા શખ્સોએ હુમલો કરી કોઈ સાધનથી માથાના પાછળના ભાગે મારતા લોહી લુહાણ હાલતમાં તેને સારવાર અર્થે નજીકી ચીખલી ની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડાતા હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા, પ્રાપ્ત વિગત મુજબ ત્રણ જેટલા હુમલાખોરો બે મોટર સાયકલ પર આવ્યા હતા. અને તે પૈકી એક સ્થળ પર મૂકી બીજી મોટર સાયકલ ઉપર ફરાર થઇ ગયા હતા. સ્થળે પર એક બાઇક કબ્જે કરી છે.
નવસારી પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ હત્યામાં સામેલ બે આરોપી વશિષ્ઠ પટેલ અને રાહુલ રબારીની ધરપકડ કરવામાં આવી છે. ફરાર ત્રીજો આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કરાયા છે. જ્યારે આરટીઆઇ એકવિસ્ટ વિનય પટેલની હત્યા કેમ કરવામાં આવી અને કોણ કોણ સામેલ છે. તેવી તમામ વિગતો પોલીસની તપાસ બાદ બહાર આવશે.



