NAVSARI

પ્રાકૃતિક ખેતી કરતા નવસારીના ખેડૂતો સાથે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનો સંવાદ

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ નવસારી રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નવસારી કૃષિ યુનિવર્સિટીના ૧૮ મા દીક્ષાંત સમારોહમાં ભાગ લેવા નવસારી પધાર્યા હતા. પદવીદાન સમારોહ પછી રાજયપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો સાથે બેઠક યોજી હતી.રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો સાથે સંવાદ કરતા જણાવ્યું હતું કેે, પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થાય છે અને પાકનું ઉત્પાદન વધુ થાય છે. રાજયપાલશ્રીએ ખેડૂતોના ઉત્સાહ અને ઉત્સુકતાથી પ્રસન્નતા વ્યક્ત કરી હતી. રાજયપાલશ્રીએ ખેડૂતોને રાસાયણિક ખાતરોના ઉપયોગ તેમજ જંતુનાશક દવાઓના અતિ ઉપયોગથી જળ, જમીન અને પર્યાવરણ પ્રદુષિત થવા સાથે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે તે વિશે સમજણ આપી હતી. હવે પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે અપનાવવાથી કૃષિક્ષેત્રે નવી ક્રાંતિ આવશે તેમ જણાવ્યું હતું.
રાજયપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજયએ પ્રાકૃતિક ખેતીથી પહેલ કરી છે. પ્રાકૃતિક ખેતી કરવા માટે જીવામૃત-ઘનજીવામૃતના ઉપયોગથી અળસિયા જેવા મિત્રજીવો અને સૂક્ષ્મ જીવાણુઓની વૃધ્ધિ થાય છે, અને સરવાળે જમીનમાં આોર્ગેનિક કાર્બનની માત્રામાં વધારો થતાં જમીનની ફળદ્રુપતા વધે છે.
રાજયપાલશ્રીએ નવસારી જિલ્લાના દરેક તાલુકામાં એક અધિકારીની નિમણૂંક કરી, ફકત દસ ગામોમાં એક ટ્રેનરને મોકલી પ્રાકૃતિક ખેત પધ્ધતિ વિશે સેમિનાર યોજવા જણાવ્યું હતું.
રાજયપાલશ્રીએ આત્મા પ્રોજેકટ, ખેતીવાડી અધિકારી તેમજ બાગાયત અધિકારીઓને પ્રાકૃતિક ખેતી વિશે ખેડૂતોને કેવી રીતે માહિતગાર કરવા તે વિશે વિગતવાર સમજ આપી હતી. તેમજ પ્રાકૃતિક ખેતીના ટ્રેનર તરીકે મહિલાઓને પણ પ્રાધાન્ય આપવા જણાવ્યું હતું.
બેઠકમાં અગ્રણી ખેડૂત વિપિનભાઇ નાયક અને પરિમલભાઇએ રાજયપાલશ્રી સાથે પ્રાકૃતિક ખેતી અને તેના ફાયદાઓ વિશે વિગતવાર ચર્ચા કરી તેમના મંતવ્યો રજૂ કર્યા હતાં. રાજયપાલશ્રીએ ધ્યાનપૂર્વક તેમની વાતો સાંભળી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત નેચરલ ફાર્મિગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના કુલપતિ ડો.સી.કે.ટીમ્બડીયા, જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગઢવી સહિત અગ્રણી ખેડૂતો ઉપસ્થિત રહયાં હતાં.

[wptube id="1252022"]
Back to top button