
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
જિલ્લામાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે તા. ૧૫ થી ૧૮મી જૂન દરમ્યાન યોગ જાગૃત્તિ અર્થે વિવિધ કાર્યક્રમો યોજાશે
તા.૨૧મી જૂન એટલે વિશ્વ યોગ દિવસ. ચાલું વર્ષે સમગ્ર વિશ્વ સાથે નવસારીમાં નવમા યોગ દિવસની ઉજવણી થનાર છે. નવમા યોગ દિવસની ઉજવણીના સુચારું આયોજન અર્થે આજરોજ નવસારી જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી અમિત પ્રકાશ યાદવે આંતરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ખૂબ ભવ્ય રીતે થાય અને વિશાળ સંખ્યામાં નાગરિકો સ્વયંભૂ સહભાગી બને તેવું આયોજન કરવા સર્વે અધિકારીઓને જણાવ્યું હતું.
રાજય સરકાર દ્વારા એક પૃથ્વી એક સ્વાસ્થ્ય થીમ આધારિત ૯મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત રાજયમાં ૭૫ આઇકોનિક સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લાના દાંડીની આઇકોનિક સ્થળ તરીકે પસંદગી કરવામાં આવી છે. આ આઇકોનિક સ્થળ સિવાય જિલ્લાના તમામ ગામ સહિત વિવિધ સ્થળોએ યોગનો કાર્યક્રમ યોજાય તે માટે યોગ સ્થળ પસંદગી કરવા અંગેની ચર્ચા પણ બેઠકમાં કરવામાં આવી હતી.
જિલ્લામાં યોગ દિવસની જાગૃત્તિ લાવવા અને લોકો યોગને પોતાના રોજિંદા જીવનમાં અપનાવતા થાય તે માટે વિશ્વ યોગ દિવસ અગાઉ જિલ્લામાં અનેક સ્થળો ખાતે વિવિઘ સામાજિક, ધાર્મિક, એન.જી.ઓ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકાર કચેરી ખાતે યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેમાં તા. ૧૫મી જૂનના રોજ જિલ્લા વહીવટી તંત્રના પંચાયત વિભાગ દ્વારા વિવિધ ગામોમાં યોગ યાત્રાનું આયોજન કરવામાં આવશે. આ યાત્રા એક સ્થળે એકઠી થશે. જયાં યોગ કરવા માટે સંકલ્પ લેવાશે. જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા તા. ૧૬મી જૂનના રોજ જિલ્લાના તમામ પી.એચ.સી. અને સી.એચ.સી ખાતે ઓ.પી.ડી સમયે જીવનમાં યોગનું મહત્વ શું છે, તેનાથી માહિતગાર કરવામાં આવશે. તેની સાથે આશા વકર્સ, આંગણવાડીની બહેનો પણ લોકજાગૃત્તિ માટે યોગ નિદર્શન કરશે. તા. ૧૭મી જૂનના રોજ જિલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા શાળાના આચાર્યશ્રીઓ વિઘાર્થીઓને ભારતીય સંસ્કૃતિ અને યોગનું મહત્વ સમજાવશે. તેની સાથે વડાપ્રધાનશ્રીનું યોગને વૈશ્વિક ફલક પર લાવવા અંગેનું યોગદાન અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંગેની માહિતી આપશે. યોગ અંગેની જાગૃત્તિ માટે પ્રભાત ફેરી અને નિબંઘ, ચિત્રકલા અને પ્લે કાર્ડ સ્પર્ઘાનું આયોજન કરશે. તા. ૧૮મી જૂનના રોજ યોગ અંગેની જાગૃત્તિ આપતી બાઇક રેલીનું ગૃહ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવશે
યોગ દિવસના સુચારું આયોજન અર્થે યોજાયેલ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી પુષ્પલતા, જિલ્લા પોલીસ વડા શ્રી ઋષિકેશ ઉપાધ્યાય, પ્રાંત અધિકારી શ્રી આર. આર.બોરડ સહિત જે.સી આઈ, પંતજલિ યોગ સમિતિ સહિત વિવિધ ઘાર્મિક અને સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






