નવસારી: સ્વાતંત્ર્ય સેનાની સ્વ. ગોવિંદભાઇ પટેલના પત્નીને શાલ ઓઢાડી સન્માન કરતા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી
ભારત દેશની આઝાદીની લડત દરમિયાન સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા અમૂલ્ય યોગદાનને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી હેઠળ સ્વતંત્રતાની લડાઇના લડવૈયાઓનું જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક પદાધિકારીઓની હસ્તે પરિવારજનોને સન્માન કરવામાં આવ્યું હતું. જે અન્વયે નવસારી જિલ્લા કલેક્ટરશ્રી અમિત પ્રકાશ યાદવે આજે નવસારી જિલ્લાના સરપોર ગામના સ્વાતંત્ર્ય સેનાની સ્વ.ગોવિંદભાઇ પટેલના પત્ની પુષ્પાબેન પટેલને શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું. સાથે ચરખો પણ અર્પણ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે સ્વાતંત્ર્ય સેનાનીઓએ દેશને આઝાદી અપાવવામાં આપેલું યોગદાન અમુલ્ય છે. અને તેમણે કરેલો સંઘર્ષ અને દાખવેલી બહાદુરીને આજે યાદ કરી બિરદાવીએ છીએ. સાથે, તેમના પરિવારજનો આજે આપણી સાથે છે તે પણ એક ભાગ્યશાળી ક્ષણ છે. વધુમાં, કલેકટરશ્રીએ સ્વાતંત્ર્ય સેનાનીઓને નવસારી જિલ્લાનું ગૌરવ ગણાવી આ અવસરે શુભેચ્છા પાઠવી હતી.
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી હેઠળ અગાઉ નવસારી જિલ્લાના પાંચ સ્વાતંત્ર્ય સેનાનીઓના પરિવારજનો/ આશ્રિતોને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતાં. જે અંતર્ગત ગણદેવીના ઇન્દિરાબહેન એમ દેસાઈનું સન્માન જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, કરાડીના લક્ષ્મીબેન એમ પટેલનું સન્માન જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ઋષિકેશ ઉપાધ્યાય, કરાડીના રામીબેન જે. પટેલનું સન્માન નવસારીના નિવાસી અધિક કલેકટરશ્રી કેતન પી જોષી, કરાડી ગામના પાર્વતીબેન એમ પટેલનું સન્માન પ્રાંત અધિકારીશ્રી આર.આર.બોરડ અને કરાડી ગામના રમાબેન એમ પટેલનું સન્માન નવસારીના નાયબ કલેકટરશ્રી કે.જી.વાઘેલાએ કરેલ હતું.
આ પ્રસંગે સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારજનો/આશ્રિતોએ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.



