
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
આપણી માતૃભૂમિની માટી સાથે આપણા સૌનો અતૂટ સંબંધ રહેલો હોય છે. માતૃભૂમિની માટી જ લોકોને જોડે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે આ વર્ષની ઉજવણીની થીમ માટી સાથે જ સંકળાયેલી છે. ’મેરી મિટૃી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત સમગ્ર દેશ માતૃભૂમિને વંદન કરશે, સાથે સાથે માતૃભૂમિ માટે પ્રાણ ન્યોછાવર કરનારા વીરોની વંદના પણ કરશે. આ રાષ્ટ્રવ્યાપી અભિયાન આગામી ૯મી ઓગસ્ટથી આરંભાશે. ૯મી ઓગસ્ટથી ૧૫ ઓગસ્ટ સુધી ગ્રામકક્ષાએ કાર્યક્રમો યોજાશે, ત્યાર બાદ તાલુકા કક્ષાના કાર્યક્રમો યોજાશે અને ઓગસ્ટ મહિનાના અંતમાં મુખ્ય કાર્યક્રમ વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં નવી દિલ્હીના કર્તવ્ય પથ ખાતે યોજાશે.
’મેરી મિટૃી, મેરા દેશ’ અભિયાન અન્વયે ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમારની અધ્યક્ષતામાં આયોજિત વિડિયો કોન્ફરન્સમાં નવસારી કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઋષિકેશ ઉપાધ્યાય સહિતના જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. રાજ્યના દરેક જિલ્લાના અધિકારીશ્રીઓને કેમ્પેઈન અંતર્ગત કરવાની થતી કામગીરીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
’મેરી મિટૃી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાની દરેક ગ્રામ પંચાયત અને નગરપાલિકા દ્વારા અમૃત સરોવર અથવા ગામના જળાશય કે પછી શાળા/કૉલેજ કે પંચાયતના પ્રાંગણમાં દેશ માટે બલિદાન આપનારા વીર જવાનોના નામવાળી તક્તી (શિલાફલકમ) સ્થાપિત કરવામાં આવશે તથા સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદ થયેલા આર્મી તથા પોલીસ સહિતના વિભાગના જવાનોના પરિવારજનોનું સન્માન પણ કરવામાં આવશે.
ગામથી તાલુકામથક સુધીની માટી યાત્રા પણ યોજવામાં આવશે, જેમાં ગામની માટીને તાલુકા સ્તરે પહોંચાડવામાં આવશે. દરેક તાલુકામાં બધા ગામોની માટી ભેગી કરીને એક કળશ ભરવામાં આવશે, જેને તાલુકાના એક નવ યુવાન દ્વારા દિલ્હી પહોંચાડવામાં આવશે.
ગામ સ્તરે આ અભિયાન અંતર્ગત ‘વસુધા વંદન’ કાર્યક્રમ પણ યોજાશે, જેમાં દરેક ગામમાં ૭૫ વૃક્ષો વાવીને અમૃત વાટિકા તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત કાર્યક્રમ અંતર્ગત ગામનાં બાળકો, યુવાનો અને નાગરિકો પાંચ પ્રણ માટે પણ પ્રતિજ્ઞાબદ્ધ થશે. હાથમાં માટી કે માટીનો દીવો લઈને તેઓ આ પ્રતિજ્ઞા લેશે અને એની સેલ્ફી લઈને આ અભિયાનના ખાસ વેબપેજ પર અપલોડ કરશે તો તેમને ઈ-સર્ટિફિકેટ પણ પ્રાપ્ત થશે, એવું આયોજન કરવામાં આવ્યું છે.
દેશની નવી પેઢી અને નાગરિકોમાં દેશભાવના જગાવવા માટે આયોજિત આ કાર્યક્રમનો ઉદ્દેશ લોકોને માતૃભૂમિ, શહીદ વીરો તેમજ જમીન-માટીનું મહત્વ સમજાવવા અને તેના પ્રત્યે ઋણ અદા કરવાની ભાવના કેળવવાનો છે.
વિડિયો કોન્ફરન્સ બાદ કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઋષિકેશ ઉપાધ્યાય દ્વારા ઉપસ્થિત જિલ્લાના અધિકારીઓને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
વિડિયો કોન્ફરન્સમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એમ.એસ.ગઢવી, ડી.સી.એફ શ્રી ભાવના દેસાઇ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી રાજશ્રી ટંડેલ સહિતના અધિકારીશ્રીઓ પણ સહભાગી બન્યા હતા.






