નવસારીની ટાટા હાઈસ્કુલ વિદ્યાલયમાં લોકસભા ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં SVEEP અંતર્ગત મતદાન જાગૃતિ સંબંધી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. મતદારોમાં મતદાન અંગે જાગૃતિ આવે તેવા ઉદેશ્યથી આજરોજ નવસારી શહેરના ટાટા હાઈસ્કુલ વિદ્યાલય ખાતે યુવાનો માટે મોક મતદાન પ્રક્રિયા(VVPAD સંભવિત) જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે નેહરુ યુવા કેન્દ્રના પ્રતિનિધિ દ્વારા યુવાનોને મતદાન માટે જાગૃત કર્યા હતા અને જણાવ્યું હતું કે, ભારત દેશ સૌથી મોટી લોકશાહી ધરાવતો અને સૌથી વધુ યુવાધન ધરાવતું રાષ્ટ્ર છે અને લોકશાહીના આ મહાપર્વમાં કોઇપણ મતદાતા મતદાન કર્યા વિના ન રહે અને નવસારી જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે આથી દરેક મતદાર મતદાન કરી તેના અધિકાર અને ફરજની બેવડી ભૂમિકા અદા કરે તે જરૂરી છે.
આ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનોએ મતદાન પ્રક્રિયા વિશે જાણકારી મેળવી હતી અને આગામી લોકસભા ચુંટણી માટે પોતાના પરિવારના સભ્યોને મતદાન કરવવા માટે સંકલ્પબદ્ધ બન્યા હતા.






