દિગેન્દ્રનગર હાઈસ્કૂલમાં એસ.એસ.સી. અને એચ.એસ.સી. બોર્ડના વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ ચીખલી
શ્રી દિગેન્દ્રનગર વિભાગ કેળવણી મંડળ સંચાલિત શ્રી જે. એમ. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ દિગેન્દ્રનગર ના કર્મનિષ્ઠ અને બાળકોના હિત માટે સદા તત્પર આચાર્યશ્રી હર્ષદસિંહ સી. પરમાર સાહેબના નેતૃત્વ હેઠળ ધો.10 -12ની બોર્ડ પરીક્ષામાં બાળકો નિર્ભય પણે, પરીક્ષાનો ડર દૂર કરી સાનુકૂળ વાતાવરણમાં પરીક્ષા આપે તે હેતુથી શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો. ધો. 10 -12 ના વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવોમાં સંસ્કાર, શિક્ષણ અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ નો સિંચન કરી જીવનનું ઘડતર કરનાર સંસ્થા ,આચાર્યશ્રી અને શિક્ષકોનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો. શિક્ષકોમાંથી વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવા માટે શ્રી જગદીશભાઈ ડી. આહીર, શ્રી શકીલભાઈ એન. શેખ, શ્રી ધીરેન્દ્રસિંહ આર. રાઠોડ અને શ્રીમતી ઉર્વીબેન બી. રાઠોડે પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓને ચિંતામુક્ત બની હાર્ટ, હેડ અને હેન્ડ એમ ત્રણ એચ ને પોતાના જીવનમાં ઉતારી તનતોડ મહેનત કરી,સામે આવનાર પ્રત્યેક પડકારોનો સામનો આત્મવિશ્વાસથી કરે તે સંદર્ભે વિવિધ ઉદાહરણો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી દિ.વિ.કે. મંડળના સહમંત્રીશ્રી પ્રભાતસિંહ એમ. ચૌહાણે પ્રાસંગિક ઉદબોધન કરતા વિદ્યાર્થીઓને જીવનમાંથી નકારાત્મક ભાવ કાઢી પોઝિટિવ અભિગમ અપનાવી ઉર્જાવાન બનવાના આશિર્વચનો આપ્યા હતા. શાળાના આચાર્યશ્રી હર્ષદસિંહ સી પરમાર સાહેબે વિદ્યાર્થીઓને શુભેચ્છા આપતા કહ્યું કે જીવનમાં જો સફળ થવું હોય તો સંઘર્ષએ જીવનનો ભાગ છે એમ સમજીને પ્રત્યેક બાબતોનું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરી તેમાંથી નવું શીખવા માટે વિદ્યાર્થીઓને અગ્રેસર કર્યા હતા. સફળતાની સાથે જીવનમાં વિનય અને વિવેક નો ખ્યાલ આપી સરળ ઉદાહરણ દ્વારા જીવનને ઉદાત્ત બનાવવાની પ્રેરણા આપી હતી. તેમજ પ્રસન્નતાપૂર્વક પરીક્ષા આપવાના સૂચનો આપ્યા હતા. સુપરવાઇઝરશ્રી હરિકિશનભાઇ પટેલની દોરવણી મુજબ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ શ્રીમતી પૂર્વીબેન એમ. પરમારે કરી હતી. શ્રી દિ.વિ.કે. મંડળના પ્રમુખશ્રી કિરણભાઈ પટેલ ઉપપ્રમુખ શ્રી પ્રમોદરાય દેસાઈ, ટ્રસ્ટીશ્રીઓ, આચાર્યશ્રી હર્ષદસિંહ પરમાર તથા સમગ્ર સ્ટાફે વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષામાં સખત મહેનત કરી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાની શુભકામનાઓ પાઠવી હતી.અને અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.



