
મદન વૈષ્ણવ-નવસારી
કોકણી સમાજ શિક્ષણમાં આગળ વધવા સાથે સમાજની સંસ્કૃતિ જાળવવા વિશેષ ભાર અપાયો
સુરત શહેર કોંકણી સમાજ વિકાસ મંડળ સુરતના ૧૪ મો સ્નેહ-મિલન સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સાધારણ સભા અલથાણ કોમ્યુનિટી હોલ, સોહમ સર્કલ, સુરત ખાતે મંડળના ઉપપ્રમુખ ડો.એમ.એન.ગાયકવાડના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. મંડળના સ્નેહ-મિલન સાંસ્કૃતિક કાર્યક્રમમાં આદિવાસી પ્રકૃતિપુજા, ધરતીવંદના તેમજ પરંપરાગત કોકણીની ઓળખ ‘ફડકી’ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમા મંડળના હોદ્દેદારો, કારોબારી સભ્યો દ્વારા પ્રકૃતિપૂજામાં ઉપસ્થિત મહેમાનો સાથે કરવામાં આવી હતી. કોકણી સમાજના આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં લૂપ્ત થતી સાંસ્કૃતિ એવી ‘માદળ’ નૃત્ય અને ડાંગમાં ‘દેરા-વાધ’ને પ્રાધાન્ય આપી વાજીંત્રો તેમજ રીત-રીવાજ મુજબ આ કાર્યક્રમમાં નવી પેઢીએ સાંસ્કૃતિને જતન માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. સંસ્કૃતિ મુજબ કાહળી નૃત્ય, તારપા નૃત્ય અને ડાંગી નૃત્ય જેવા કાર્યક્રમો પણ યોજાયા હતાં.આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના સમાજના સંગઠનો વાંસદા, ચીખલી, ધરમપુર, ખેરગામ, નવસારી, વલસાડ, કપરાડા તેમજ વ્યારા સોનગઢ સાથે ડાંગના વઘઈ આહવાથી પ્રમુખ-મંત્રીઓના અને સમાજના અગ્રણીઓ બહેનોની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું. તેમને સંગઠનમાં વખતો-વખત સામાજિક અને આર્થિક સહયોગ રૂપી સુરત મંડળને આપવા બદલ ‘સન્માન પત્ર’ દ્વારા દરેક સંગઠન મંડળને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. સુરત શહેર કોકણી સમાજ દ્વારા આ સ્નેહ-મિલન કાર્યક્રમમાં મહારાષ્ટ્ર થી ખાસ ઉપસ્થિત તરીકે ડો.પદમાકર સહારે આંબેડકર યુનિવર્સિટી ઓરંગાબાદ દ્વારા કોકણી, કુકણા, કુનબી સમાજનો ઈતિહાસ વિષે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જેમાં કોકણી લોકો ગોવાથી સ્થળાંતરિત થઈ રત્નાગીરી, ગંભીરગઢ થઈ થાણે, નાશિક, ધૂલે, નંદુરબાર થઈ દક્ષિણ ગુજરાતના વ્યારા, વાંસદા, ધરમપુર વિસ્તારોમાં હાલમાં વસવાટ કરે છે.
સમાજના સંગઠનમાં વિવિધ શૈક્ષિણક પ્રવૃતિ તેમજ સામાજિક સાહિત્ય માટે કુકણા ભાષાનો લોકવાર્તા, રામાયણ કથા તેમજ આદિવાસી સંસ્કૃતિ વિશે લખનાર સાહિત્યકાર શ્રી ડાહ્યાભાઈ વાઢુ દ્વારા નવી પેઢીને આ સાહિત્ય વિશે લખવા પ્રેરણાસ્ત્રોત માહિતી આપવામાં આવી હતી..
વાંસદાના પ્રમુખ બાબુભાઈ ગાંગુડે દ્વારા સમાજમાં આદિવાસી સંસ્કૃતિ, રીત-રીવાજ, દેવી-દેવતા તેમજ તહેવારોની સમજ તેમજ સંગઠનની રચના સમસ્યા અને વલસાડના પ્રમુખશ્રી નાનુભાઈ પટેલે સમાધાન વિશે રસપ્રદ માહિતી સમાજના સભ્યોને આપવામાં આવી હતી.
આ પ્રસંગે મંડળના મંત્રીશ્રી જયંતિભાઈ બી.પવાર, ખજાનચીશ્રી ક્રાંતિભાઈ કુનબી, સહમંત્રીશ્રી ભરતભાઈ ભોયે અને આંતરિક અન્વેષક શ્રી જીવણભાઈ કોકણી સાથે મંડળના ઉપપ્રમુખ ડો. એમ.એન.ગાયકવાડ અને પ્રમુખ તરીકે વરણી થયેલા શ્રી એમ.બી.માહલા દ્વારા સમાજ શિક્ષણમાં આગળ વધવા અને સમાજની સંસ્કૃતિ જાળવવા નવી પેઢીને જતન કરવા આ કાર્યક્રમમાં વિશેષ ભાર આપવામાં આવ્યો હતો.