સતત ચોથી વાર દેશમાં પ્રથમ ક્રમે ફળ સંશોધંન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી ગણદેવીને બેસ્ટ સેન્ટર એવોર્ડ એનાયત..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જીલ્લાના ગણદેવી તાલુકામાં આવેલી નવસારી કૃષિ યુનિવર્સિટીના ફળ સંશોધન કેન્દ્રના વડા ડો. અંકુર પટેલ જણાવે છે કે ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ માટે ICAR-AICRP on Fruits (અખિલ ભારતીય સંકલિત સંશોધન યોજના ફળની ૧૧મી વાર્ષિક ગ્રૂપ ડિસકશન મીટિંગ નવસારી કૃષિ યુનિવર્સિટીના યજમાન પદે તા.૨૨મી જાન્યુયારીથી ૨૫મી જાન્યુઆરી સુધી યોજાયેલ હતી. જેમાં આખા ભારત દેશના તમામ રાજયોના કુલ ૪૯ જેટલા ફળ સંશોધન કેન્દ્રના આશરે ૨૦૦ જેટલા વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો.
ગ્રૂપ ડિસકશન મીટિંગની શરૂઆત નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝીણાભાઈ પી. પટેલના પ્રમુખ સ્થાને અને મુખ્ય મહેમાન તરીકે ડો. વી. બી. પટેલ, આસિસ્ટન્ટ ડાઇરેક્ટર ઓફ જનરલ(ફળ), આઇ.સી.એ.આર., નવી દિલ્હી ના વરદ હસ્તે કરવામાં આવી હતી. તા. ૨૫-૧-૨૦૨૪ના રોજ મીટિંગના સમાપન દરમ્યાન પ્રમુખ પદે ડેપ્યુટી ડાઇરેક્ટર ઓફ જનરલ(બાગાયત) ડો. એસ.કે. સિંહ સાહેબ તેમજ નવસારી કૃષિ યુનિવર્સિટીના ડાઇરેક્ટર ઓફ રીસર્ચ ડો. તીમુર આર. અહેલાવત અને ડો. પ્રકાશ પાટીલ, નેશનલ ઓરગ્નાઇઝિંગ સેક્રેટરી તેમજ પ્રોજેકટ કોર્ડીનેટર, અખિલ ભારતીય સંકલિત સંશોધન યોજના ફળ, બેંગલોર હાજર રહ્યા હતા. તમામ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ આખા વર્ષની કામગીરીનું મુલ્યાંકન રજૂ કર્યા બાદ ફળ સંશોધન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, ગણદેવીને પ્રથમ ક્રમ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું અને કેન્દ્રના વડા, સહ સંશોધન વૈજ્ઞાનિક અને લોકલ ઓરગ્નાઇઝિંગ સેક્રેટરી તરીકે ડો. અંકુર પટેલને તેમની ટીમ સાથે આ એવોર્ડ ડેપ્યુટી ડાઇરેક્ટર ઓફ જનરલ(બાગાયત) ડો. એસ.કે. સિંહ સાહેબના વરદ હસ્તે આપવામાં આવ્યો હતો. ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવીને બેસ્ટ સેન્ટર એવોર્ડ સતત ચોથી વાર એટ્લે કે ૨૦૨૧,૨૦૨૨ ૨૦૨૩ અને ૨૦૨૪માં ગણદેવી સેન્ટરને સતત ચોથી વાર એવોર્ડ મળતા ગણદેવી સેન્ટર દ્વારા એવોર્ડની બાઉન્ડ્રી મારવામાં આવી છે. ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવી સેન્ટર દેશનું પ્રથમ તેમજ કોઈ પણ અખિલ ભારતીય સંકલિત સંશોધન યોજનામાં સતત ચાર વાર એવોર્ડ મળ્યા હોય તેવું દેશનું પ્રથમ સેન્ટર બનવા પામ્યું છે. આ તબક્કે યુનિવર્સિટીના માનન. કુલપતિશ્રી ડો. ઝીણાભાઈ પી. પટેલ પણ પોતાની કારકિર્દીના મહત્તમ વર્ષો ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવી ખાતે કાર્યરત રહ્યા હોય, પોતાના ગણદેવી ફાર્મ ખાતેના સંસ્મરણો વાગોળી ડો. અંકુર પટેલ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આ બાબતે ફળ સંશોધન કેન્દ્રના વડા તરીકે ડો. અંકુર પટેલે કેન્દ્રના કર્મચારી ગણ ડો. કે.ડી. બીશને, ડો. પી. કે, મોદી અને શ્રી કે.વી. મકવાણા સહિત તમામ કર્મચારી ગણ અને નવસારી કૃષિ યુનિવર્સિટીના તમામ ઉચ્ચ પદાધીકારીઓનો આ તબક્કે સાથ સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો છે.



