
કથાકારો સમાજને પછાત બનાવે છે. કથાકારો વર્ણવ્યવસ્થાને મજબૂત કરવાનો પ્રયાસ કરે છે. કથાકારો સ્વર્ગ/નરકની વાતો કરી લોકોને મૂરખ બનાવે છે. કથાકારો સમાજની વાસ્તવિકતાઓને ભૂલવાડીને કાલ્પનિક વાતોમાં ભક્તોને ગૂંચવી દે છે !
ISKON-International Society for Krishna Consciousnessના એક કથાકાર છે ચંદ્ર ગોવિંદ દાસ. તેઓ વ્યાસપીઠ પરથી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેઓ કહે છે : “વ્યક્તિએ પોતાના કુળ અને ગોત્રમાં જ વિવાહ કરવા જોઈએ. બહાર નહીં. શું કામ? એક કુળના સંસ્કાર અને વિધિવિધાનો જળવાઈ રહે. પણ આ ભણેલા ઝાઝાં વધી ગયા ને, ગમે ત્યાં ફિટ કરવા માંડ્યા છે ! કુળ ગોત્રનો સત્યાનાશ કરીને આખા સમાજને વર્ણસંકર બનાવી દીધો છે. ભાગવતમાં એ વાત સ્પષ્ટ છે કે જ્યારે બ્રાહ્મણો નષ્ટ થાય ને એટલે વેદધર્મ નષ્ટ થાય. અને વેદધર્મ નષ્ટ થાય એટલે દુરાચારી પુરુષો પ્રગટ થાય. અને દુરાચારી પુરુષ પ્રગટ થાય એટલે એ સમાજની સારી સ્ત્રીઓને બગાડે. અને સ્ત્રી જ્યારે દુષ્ટ થાય ત્યારે દુષ્ટ સ્ત્રીના ગર્ભથી બાળક જન્મ લે એ વર્ણસંકર પ્રજા હોય છે. અને એ વર્ણસંકર પ્રજાઓને શ્રાદ્ધ ઈત્યાદિ વેદકર્મમાં અધિકાર નથી. એનું શ્રાદ્ધ કદી પહોંચે નહીં. એટલા માટે જે લોકો વર્ણાશ્રમધર્મ અંતર્ગત છે, એણે વર્ણાશ્રમ બહાર, કુળ બહાર કોઈ દિ જાવું નહીં. આ નિયમ છે. નહીંતર વર્ણસંકર પ્રજા થશે. અને હજારો વરસ નરકમાં સડતા રહેશો, તમારા પુત્રો પિંડદાન કરીને તમારી મુક્તિ નહીં કરાવી શકે ! અને એ વર્ણસંકર હોવાથી ભાગવત તો ક્યાંથી કરાવે? નહીં તો તમે ગમે ત્યાં હલવાણા હો તો વાહે બિચારા કોઈ ભાગવત કરે તો મેળ પડી જાય ! પણ વર્ણસંકરમાં આ આશય ન રખાય કે આ ભાગવત કરશે. બહુ જરુરી છે સંસ્કારોના સિંચન માટે.”
થોડાં પ્રશ્નો : [1] પોતાના ગોત્રમાં લગ્ન ન કરાય તેવું આપણા ધર્મશાસ્ત્રો કહે છે, જ્યારે આ કથાકાર તો ગોત્રમાં જ લગ્ન કવાનો ઉપદેશ આપે છે, શું ગોત્ર અને જ્ઞાતિ અલગ નથી? [2] માની લઈએ કે જ્ઞાતિ/વર્ણમાં જ લગ્ન કરવા આ કથાકાર ઉપદેશ આપે છે, તો આખું અમેરિકા વર્ણસંકર કહેવાય કે નહીં? યુરોપના લોકો વર્ણસંકર કહેવાય કે નહીં? ત્યાં જ્ઞાતિપ્રથા/વર્ણવ્યવસ્થા નથી. શું તેઓ સંસ્કારી નથી? શામાટે ગુજરાતીઓ અમેરિકા/કેનેડા/ UK/ ઓસ્ટ્રેલિયા જવા લાઈનમાં ઊભા રહે છે? [3] ‘ભણેલા ઝાઝાં વધી ગયા ને, ગમે ત્યાં ફિટ કરવા માંડ્યા છે !’ કથાકાર આવી બળતરા કેમ કરતા હશે? ભણવાથી માણસ પ્રગતિશીલ મૂલ્યોને આત્મસાત કરતો હોય છે, પ્રગતિશીલતા રુઢિચુસ્તતાને પડકારે છે, પ્રગતિશીલતા કથાકારોની અસલિયત ઉઘાડી કરે છે; આ બાબતથી કથાકારો આવું બોલતા હશે? [4] ‘જ્યારે બ્રાહ્મણો નષ્ટ થાય ને એટલે વેદધર્મ નષ્ટ થાય. અને વેદધર્મ નષ્ટ થાય એટલે દુરાચારી પુરુષો પ્રગટ થાય.’ કથાકારોએ આવું સંશોધન ક્યારે કર્યું હશે? જ્યારે વેદધર્મ હતો ત્યારે સમાજમાં દુરાચારી પુરુષો ન હતા? પ્રાચીન ગ્રંથોમાં રાક્ષસો/ દુરાચારી પુરુષોના વર્ણનો નથી? [5] ‘વર્ણસંકર પ્રજાઓને શ્રાદ્ધ ઈત્યાદિ વેદકર્મમાં અધિકાર નથી. એનું શ્રાદ્ધ કદી પહોંચે નહીં.’ વર્ણસંકર પ્રજાનું શ્રાદ્ધ પહોંચતું ન હોય તો વેદધર્મવાળાનું શ્રાદ્ધ પહોંચતું હશે? શ્રાદ્ધ પહોંચે છે કે નહીં તે કથાકારો ક્યાં આધારે કહેતા હશે? કથાના આધારે જ ને? આવી કથાઓ લખનાર ગપોડિયા ન હતા? સ્વાર્થી ન હતા? [6] ‘હજારો વરસ નરકમાં સડતા રહેશો, તમારા પુત્રો પિંડદાન કરીને તમારી મુક્તિ નહીં કરાવી શકે !’ શું આ ગપ્પું નથી? નરક છે ખરું? શું પિંડદાનથી મુક્તિ મળે? શું આ એક પ્રકારની છેતરપિંડી નથી? ચોક્કસ વર્ગનો આ ધંધો નથી? શું કથાકારો નરકમાં જઈને આવ્યા હશે? ભાગવત કથા કરાવવાથી પિતૃને મુક્તિ મળી જાય? શું કથાકારોની આ ભ્રષ્ટ યુક્તિ નથી? [7] સંસ્કારોનું સિંચન ભાગવત કથાથી થાય? વર્ણાશ્રમઘર્મથી થાય? જો આ સત્ય હોય તો અમેરિકા/કેનેડા/UK/ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં બધાં અસંસ્કારી હશે? શું કથાકારો લોકોને મૂરખ બનાવતા નથી? શું કથાકારો સમાજમાં અવૈજ્ઞાનિક અભિગમનો ફેલાવો કરતા નથી? શું કથાકારો સમાજને અંધશ્રદ્ધાળુ બનાવતા નથી? શું કથાકારો અસામાજિક પ્રવૃતિ કરતા નથી?rs










