
જૂનાગઢ જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં નવ તાલુકાના ૫૮ સ્પર્ધકો સહભાગી થયા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ પ્રેરિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત જૂનાગઢ જિલ્લા કક્ષાની સૂર્યનમસ્કાર સ્પર્ધા ઉપરકોટ ખાતે યોજાઈ હતી. જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર ૬ સ્પર્ધકો જૂનાગઢનું પ્રતિનિધિત્વ રાજ્યકક્ષાએ કરશે.
ઘર ઘર સુધી યોગ પહોંચે એ હેતુથી શરૂ કરવામાં આવેલ સૂર્ય નમસ્કાર સ્પર્ધા ગ્રામ્ય કક્ષા, વોર્ડ કક્ષા, તાલુકા કક્ષા, નગરપાલિકા એ યોજાયા બાદ આજે જૂનાગઢ જિલ્લા કક્ષાની સ્પર્ધા ઐતિહાસિક ઉપરકોટ ખાતે યોજાઇ હતી. જેમાં જૂનાગઢ જિલ્લાના નવ તાલુકાના વિજેતા થયેલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
ઉપરકોટ ખાતે જિલ્લા કક્ષાની યોજાયેલી આ સ્પર્ધામાં ૫૮ માંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર આગામી સમયમાં જૂનાગઢનું પ્રતિનિધિત્વ રાજ્યકક્ષાએ કરશે.
આ વિજેતાઓમાં પ્રથમ ક્રમે ભાઈઓમાં હર્ષ રાઠોડ, બહેનોમાં અપેક્ષા ધાધલ,દ્વિતીય ક્રમે ભાઈઓમાં રોનક ગોહેલ, બહેનમાં હેમાંશી પોસ્તરિયા,તૃતીય ક્રમે ભાઈઓમાં સંસ્કાર અંજની,બહેનમાં માકડીયા રિયાબેન વિજેતા રહ્યા હતા.
જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ સ્પર્ધામાં પ્રાસંગિક ઉદબોધનમાં તેમણે જણાવ્યું હતું કે, ભારત દેશ વિશ્વ ગુરુ બનવા જઈ રહ્યો છે ત્યારે દેશના નાગરિકો સારી રીતે સ્વસ્થ જીવન જીવે એ માટે યોગ ખૂબ જરૂરી છે. સ્વસ્થ અને દીર્ઘાયું જીવન જીવવા માટે યોગને આપની આપણી જીવનશૈલીનો એક ભાગ બનાવીએએ જરૂરી છે.તેમણે ઉમેર્યું હતું, કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના પ્રયાસોથી રમતગમત અને યોગને પ્રોત્સાહન મળી રહ્યું છે.ખેલે ગુજરાત જેવા કાર્યક્રમો થકી યુવાનોની પ્રતિભા બહાર આવી છે.તેમણે જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી નીતાબેન વાળા અને જૂનાગઢ જિલ્લાના યોગ કોર્ડીનેટર ચેતનાબેન ગજેરાને તેમની કામગીરી માટે બિરદાવ્યા હતા.
કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લાના કોઓર્ડીનેટર ચેતનાબેન ગજેરાએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા કક્ષાની સૂર્યનમસ્કાર સ્પર્ધા અંગે વિગતવાર જાણકારી આપી હતી.કાર્યક્રમના આરંભે શાબ્દિક સ્વાગત જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધિ પ્રાંત યુવા વિકાસ અધિકારી હિતેશભાઈ ડાંગરે કરી હતી. કાર્યક્રમમાં યોગનિદર્શન કાંબલીયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ રજૂ કર્યું હતું. કાર્યક્રમના આરંભે યોગ પ્રાગટ્ય કેશોદની સરકારી હાઈસ્કૂલના વિદ્યાર્થી હર્ષ રાઠોડએ કર્યું હતું.
આ પ્રસંગે કન્વીનરો, યોગ શિક્ષકો, ટ્રેનર, કોચ અને યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા.





