Dwarka : ખંભાળિયા તાલુકાના ગોલણ શેરડી ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો ઉદ્દેશ નાગરિકોને સરકારી વિવિધ યોજનાઓથી માહિતગાર કરવાનો તેમજ નાગરિકોને ઘરબેઠા યોજનાઓનો લાભ પહોંચાડવાનો છે : કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરા
માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજરોજ ખંભાળિયા તાલુકાના ગોલણ શેરડી ગામે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાના અધ્યક્ષસ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે પ્રધાનમંત્રીશ્રીનો વિડિયો સંદેશ તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત મેરી કહાની મેરી જુબાની હેઠળ વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ સરકારશ્રીની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
તેમજ રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના ૧૫ જેટલા લાભાર્થીઓને મહાનુભાવો દ્વારા લાભ એનાયત કરવામાં આવ્યા હતા. સ્કૂલના બાળકો દ્વારા ધરતી કહે પૂકાર કે અંતર્ગત લઘુ નાટક રજૂ કર્યું હતું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે, છેવાડાના નાગરિકો સુધી જનકલ્યાણની ૧૭ જેટલી યોજનાઓનો લાભ પહોંચાડવા તેમજ આઝાદીના શતાબ્દી વર્ષ ૨૦૪૭માં ભારત દેશ વિકસિત બની વિશ્વ ફલક પર અંકિત થાય તે હેતુથી સમગ્ર દેશ તથા ગુજરાત રાજ્યમાં ગામે ગામ સુધી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ભ્રમણ કરશે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા નાગરિકોના પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પહોચાડવામાં આવી રહ્યો છે.
વધુમાં કેબિનેટ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,સરકાર સૌ કોઈની દરકાર રાખી અનેકવિધ યોજનાઓનો લાભ પહોંચાડી રહી છે. જનહિતલક્ષી યોજનાનો લોકોને ઘર આંગણે લાભ મળે તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા મહત્વપૂર્ણ માધ્યમ બની રહેશે.આ યાત્રાના માધ્યમથી સરકારની મહત્વની ૧૭ યોજનાઓનો લાભ નાગરિકોને મળી રહ્યો છે.
સરકારશ્રીની યોજનાઓનો મહત્તમ લાભ પ્રાપ્ત કરી ભારતને વિકસિત બનાવવામાં પોતાનું યોગદાન લેવા મંત્રીશ્રીએ નાગરિકોને અપીલ કરી હતી. આ ઉપરાંત ખેડૂતોને ગાય આધારિત ખેતી તરફ વળવા આહવાન કર્યું હતું.
કાર્યક્રમમાં ડો. પી.વી. કંડોરિયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખશ્રી અનિલભાઈ ચાવડા,પ્રાંત અધિકારીશ્રી કે.કે. કરમટા, મામલતદારશ્રી વિક્રમ વરૂ, તાલુકા વિકાસ અધિકારીશ્રી કે.વી. શેરઠીયા, અગ્રણીશ્રી ઘનશ્યામસિંહ જાડેજા, સી. એલ. ચાવડા, ભરતભાઈ ચાવડા, હિતેશભાઈ પિંડારિયા, કાનાભાઈ કરમુર સહિત આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.