RAMESH SAVANI

Ramesh Savani : ચર્ચ/ મંદિરના ઘંટ કરતાં નિશાળનો ઘંટ અનેક ઘણો વધુ પવિત્ર છે !

આમ તો હું કેનેડા માં રહું છું. હું જે શહેર વિન્ડસર (ઓન્ટારીયો રાજ્ય) માં રહુ છું તે કેનેડા અને અમેરિકાની સરહદ ઉપરનું કેનેડાનું છેલ્લુ ગામ છે. મારા નિવાસસ્થાનથી અમેરિકાના ડેટ્રોઇટ શહેરના દિવા માંડ એક કિ.મિ.ના અંતરે છે. બંને દેશો વચ્ચે ખુબ સારા સબંધો છે એટલે એક બીજાના દેશમાં નાગરિકો મુક્ત રીતે આવ-જા કરી શકે, ભણી શકે કે વેપાર ધંધા કે હટાણું કરી શકે છે. મારાં દિકરી જમાઇ હવે અમેરિકામાં સ્થાયી થયાં છે અને એમનું અમેરિકાનું રહેઠાણ અમારા કેનેડાના રહેઠાણથી માંડ ચાલીસ કિ.મિ. દૂર છે. એટલે અમે આરામથી એક બીજાની મુલાકાત લઇ શકીએ છીએ.
4-5 નવેમ્બર 2023, શનિ-રવિની રજામાં અમે બંને (પત્નિ અને હું) દિકરી પૂર્વીને ત્યાં Northville town આવ્યાં છીએ. નોર્થવિલ નાનું શહેર છે, વસ્તી માત્ર 6000 છે. શનિવારે સવારે સાત વાગે પૌત્ર યશ મને કહે, ‘દાદાજી હું મારી શાળાના ટ્રેક ઉપર દોડવા જાઉં છું. ચાલો, આપને ચાલવા આવવું હોય તો.’ બહાર બહુ ઠંડી હતી તાપમાન 5 ડીગ્રી હતું. છતાં હું અને દિકરી જમાઇ પણ તૈયાર થઇ ગયાં. ઘરથી શાળાનું અંતર માંડ બે કિ. મિ. હશે. એની શાળા જોઇને તો હું અચંબામાં પડી ગયો. મેં કહ્યુ ‘યશ ! આ તો માધ્યમિક શાળા છે કે યુનિવર્સિટી?’ યશને નવાઇ લાગી કે કેમ આવું પૂછો છો? મેં કહ્યું , ‘બેટા હું હોલેન્ડની મોટી યુનિવર્સિટીમાં ભણ્યો છું. ઈંગ્લેન્ડની રીડીંગ યુનિવર્સિટી/ અમેરિકાની હાર્વર્ડ તથા એમ.આઇ. ટી. યુનિવર્સિટીમાં તાલીમ લીધી છે. તથા ઘણી મોટી યુનિવર્સિટીમાં વ્યાખ્યાન આપ્યાં છે. એટલે કહું છું કે તારી આ શાળા તો યુનિવર્સિટી જેટલી વિશાળ છે. આ શાળાનાં વિશાળ અને અધ્યતન સુવિધાઓથી સજ્જ બે મોટાં રમતનાં મેદાનો પણ અદભૂત છે.’
યશ પાસેથી જાણવા મળ્યું કે એની આ શાળા સરકારી છે. 3,60, 000 સ્ક્વેર ફૂટ વિસ્તાર ધરાવતી આ શાળામાં 2500 વિદ્યાર્થીઓ ભણે છે. આ શાળામાં માત્ર 9 થી 12 ધોરણના જ વિદ્યાર્થીઓ છે. દર 20 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક છે. શાળાનું સંર્પૂણ શિક્ષણ મફત છે. ઘરે લેવા મૂકવા બસ આવે છે. તેની કોઇ ફી નહિં. શાળાનો સમય સોમ થી શુક્ર. (શનિ-રવિ રજા) સવારના સાત થી બપોરના બે સુધીનો છે. શિક્ષણ માટે સવારનો સમય ઉત્તમ છે. પણ આપણે ત્યાં 11 વાગે શાળા શરુ થાય છે. જમીને આવેલાં બાળકો બેંચ ઉપર ઊંધે અને માસ્તર મોબાઇલ જુએ ! અહીં શાળા કે કચેરીમાં મોબાઇલ વાપરી શકાતો નથી. શાળામાં સવારે નાસ્તો અને બપોરનું ભોજન વિના મૂલ્યે મળે છે. નાસ્તા અને ભોજનની ગુણવત્તા સાંભળો તો ફાઇવ સ્ટાર હોટલ યાદ આવે. મેક્સિકન, ઇટાલિયન, યુરોપિયન, વેજ, નોનવેજ એમ પાંચ થી છ જાતનાં બુફે કાઉન્ટર હોય. જે ખાવું હોય/ જેટલું ખાવું હોય તેટલું ખાઇ શકાય છે. આપણા મધ્યાન ભોજનની દશા કેવી છે તે દરેક જાણે છે. એમાં પણ મામલતદાર કટકી કરે છે ! આપણા શિક્ષણ મંત્રી તો ભુવાઓનું સન્માન કરવામાં વ્યસ્ત રહે છે ! મિશીગન રાજ્ય સરકાર, વરસે એક બાળક દીઠ 12000 ડોલરનો (રુપિયા 9,96,000/-) ખર્ચ કરે છે. આ શાળા આખા અમેરિકામાં શ્રેષ્ઠ શાળાઓમાં 459 ક્રમે છે અને મિશીગન રાજ્યમાં દસમા ક્રમે છે.
યશ એક દિવસ બિમાર પડ્યો તો શાળાએ જઇ ન શક્યો. તો ઘરે રડતો હતો. એની મમ્મીએ પૂછ્યું, ‘બેટા દર્દ થાય છે એટલે રડે છે?’યશ કહે, ‘ના, મમ્મી મારા ટીચરને મિસ કરું છું.’ આ છે શિક્ષક અને વિદ્યાર્થીનો લગાવ ! યશને શાળાના અતિ ઉત્તમ વિદ્યાર્થી-Extra ordinary studentનો દેશના રાષ્ટ્રપતિ જો બાયડની સહી વાળો એવોર્ડ મળ્યો છે !
હવે સમજાશે કે અમેરિકા કેમ મહાન છે? અમેરિકા એના નાગરિકોના શિક્ષણ અને સંશોધન પાછળ પુષ્કળ ખર્ચ કરે છે એટલે મહાન છે. આપણે 33 કોટી દેવો અને એટલાં જ મહામંડલેશ્વરોના આશીર્વાદ છતાં ક્યાં છીએ એ કહેવાની જરુર ખરી? ઉપરથી વિશ્વગુરુનો પ્રપંચ તો ખરો જ. હું કેનેડાના એક નાના શહેરની કોલેજ માં ભણતો હતો અને પછી ત્યાં હું ભણાવતો હતો. તે ‘સેંટ કલેર કોલેજ ઓફ ટેકનોલોજી’ પણ કોઇ યુનિવર્સિટીથી જરાય નાની નથી. મારા વખતમાં પણ 12000 વિદ્યાર્થીઓ હતા. મેં 62 વરસે કેનેડાની ડીગ્રી લીધી; તો મને એક વરસની ફીના 2200 ડોલર ભરેલા તે પરત મળ્યા. ઉપરાંત 200 ડોલર બસ પાસના અને 200 ડોલર બૂક એલાઉન્સ ના વધારાના મળ્યા ! હું એ વખતે કેનેડાનો નાગરિક પણ નહોતો. માત્ર PR-permanent resident કાર્ડ હતું. આ છે કેનેડા સરકારનું શિક્ષણ માટેનું યોગદાન ! અમે ભણ્યા તો દુનિયા ના શ્રેષ્ઠ દેશો પૈકીના કેનેડા-અમેરિકામાં રહેવા સદભાગી બન્યા છીએ. થોડામાં ધણું માનજો.
શિક્ષણ સિવાય રાષ્ટ્ર ઘડતર ની કલ્પના કરવી વાંઝણી છે; એ જેટલું વહેલું સમજાય એ આપણા દેશના હિતમાં છે. અમેરિકા અને કેનેડાનાં 80% ચર્ચ હાલ ખંડેર હાલતમાં છે. અને જે 20% છે તે છેલ્લા શ્વાસ લઇ રહ્યાં છે. તેમાં વૃધ્ધો સેવા પ્રવૃત્તિમાં સમય પસાર કરવા માત્ર રવિવારે જ જાય છે. છતાં અમેરિકામાં દેવો કદી રુઠતા કે કોપ કરતા જાણ્યા નથી ! ચર્ચ/મંદિરના ઘંટ કરતાં નિશાળનો ઘંટ અનેક ઘણો વધુ પવિત્ર છે ! -જગદીશ બારોટ.rs

[wptube id="1252022"]
Back to top button