
મોરબીમાં વેચાણ સહ પ્રદર્શન માટેના જન્માષ્ટમી મેળો ખુલ્લો મૂકતા જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા
મોરબીવાસીઓ ! એલ.ઈ. કોલેજ મેદાન ખાતે શરૂ છે અવનવી વસ્તુઓની ખરીદી માટે ‘જન્માષ્ટમી મેળો-૨૦૨૩’

મોરબીના એલ.ઈ. કોલેજ ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમી મેળાને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરા તેમજ જિલ્લા કલેકટરશ્રી જી.ટી.પંડ્યાએ રીબીન કાપી તેમજ દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂક્યો હતો.
મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળના તાબા હેઠળનું ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. મહિલાઓનાં સશક્તિકરણ માટે કાર્યરત છે. જે અંતર્ગત મહિલા હસ્તકલા કારીગરો દ્વારા ઉત્પાદિત અને નિર્મિત ચીજવસ્તુઓ જેવી કે, રોજ બરોજના વપરાશમાં ઉપયોગી તેમજ ઘર સુશોભનની ઉત્કૃષ્ટ ચીજવસ્તુઓ તથા અવનવી વસ્તુઓના વેચાણ અર્થે “જન્માષ્ટમી મેળો-૨૦૨૩” મેળાનું આયોજન તા.૦૫/૦૯/૨૦૨૩ થી તા.૧૪/૦૯/૨૦૨૩ સુધી એલ.ઈ. કોલેજ મેદાન, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. આ મેળામાં ૬૦ મહિલા કારીગરોના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. તો ચાલો આ દિન-૧૦ ના પ્રદર્શન સહ વેચાણ મેળામાં પરિવાર સાથે મુલાકાત લઈ કારીગર મહિલાઓને પ્રોત્સાહન આપીએ. આ મેળામાં અવનવી હસ્તકલા કારીગરીની અનેક ચીજવસ્તોઓના પ્રદર્શન સહ વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે.

આ મેળાના શુભારંભ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી તેમજ જિલ્લા કલેકટરશ્રી સાથે જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેનશ્રી હંસાબેન પારઘી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઈલાબેન ગોહિલ, મહિલા અને બાળ વિભાગ પ્રોટેક્શન ઓફિસરશ્રી નિલેશ્વરીબા ગોહિલ સહિત અધિકારીઓ, અગ્રણી અને મોરબી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.








