
વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા
મહીસાગર બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી દ્રારા ૮ બાળકોનાં બાળ લગ્ન અટકાવવામાં આવ્યા
બાળ લગ્ન કરાવવાના આયોજન વિશે માહિતી હોય તો તાત્કાલિક બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી સંપર્ક કરવો
બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી મહીસાગર ખાતે ખાનપુર તાલુકા મેણા ગામમાં અને અને લુણાવાડા તાલુકાના જુના મુવાડા ગામ ખાતે બે અલગ અલગ જગ્યાએ બાળ લગ્નના આયોજન અંગેની માહિતી મળેલ હતી. જે સંદર્ભે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને સ્થાનિક પોલિસ સાથે મળીને તપાસ હાથ ધરવામાં આવી જેમાં પરિવાર દ્રારા લગ્ન કરાવવાની સંપુર્ણ તૈયારી કરવામાં આવેલ હતી.
પરંતુ બાળકોના ઉમરના પુરાવા મેળવી ચકાસણી કરતાં કુલ ૮(આઠ) બાળકો જેમાં ૩ દિકરા અને ૫ દિકરીઓની લગ્નની નિર્ધારીત વય પુર્ણ થયેલ ન હોવા છતાં તેઓના લગ્નનું આયોજન કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ. ત્યારબાદ લગ્નનું આયોજન કરનાર બાળકોના માતા-પિતા અને વાલીને બાળલગ્ન પ્રતિબંધક ધારો-૨૦૦૬ અન્વયે જો પુરુષ હોય તો જેણે ૨૧ વર્ષની ઉંમર પૂરી કરી નથી અને જો સ્ત્રી હોય તો જેણે ૧૮ વર્ષની પુરી કરી નથી તેવા બંને પક્ષ અથવા બે પક્ષ પૈકી કોઇ પણ પક્ષે નિર્ધારિત ઉંમર પુરી કરેલ ના હોય તેવા યુગલો વચ્ચે લગ્ન થતા હોય તો તેને બાળલગ્ન કહેવામાં આવે છે, અને જો આવા બાળ લગ્ન કરાવવામાં આવે તો તે એક બિન જામીનપાત્ર ગુનો બને છે અને જેમાં બે વર્ષની સખત કેદની સજા અથવા રૂપિયા એક લાખના દંડની સજા થવા પાત્ર છે તેવી સમજ આપીને લગ્નનું આયોજન કરનાર બાળકોના માતા-પિતા અને વાલીને બાળ લગ્ન ન કરવાની નોટીસ પાઠવવામાં આવી હતી.તદુપરાંત તમામ દીકરીના ૧૮ વર્ષ અને દીકરાના ૨૧ વર્ષ પૂર્ણ થયેથી જ લગ્ન કરાવવામાં આવશે તે બાબતની બાહેધરી મેળવવામાં આવી હતી.
જિલ્લામાં કોઈપણ જગ્યાએ બાળ લગ્ન કરાવવાના આયોજન વિશે માહિતી હોય તો તાત્કાલિક બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, રૂમ નં. ૨, ભોય તળીયે, બ્લોક નંબર-૨, જિલ્લા સેવા સદન, મહીસાગર લુણાવાડા ફોન નં.૦૨૬૭૪-૨૫૨૯૬૮ અથવા E-mail dsdo-mahi@gujarat.gov.in પર, જિલ્લા બાળ સુરક્ષા એકમ, મહીસાગર ફોન.નં. ૦૨૬૭૪-૨૫૦૫૩૧, ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન, ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પ લાઈન, ૧૦૦ પોલીસ કંટ્રોલ રૂમ, પર સંપર્ક કરવાનો રહેશે બાળ લગ્ન અટકાવવા અંગેની માહિતી આપનારની ઓળખ સંપુર્ણપણે ગુપ્ત રાખવામા આવશે.