WANKANER:વાંકાનેરના મહિકાની જે.પી. હાઇસ્કુલમાં વિદ્યાર્થીઓને મતદાનના મહત્વ અંગે જાગૃત કરાયા
WANKANER:વાંકાનેરના મહિકાની જે.પી. હાઇસ્કુલમાં વિદ્યાર્થીઓને મતદાનના મહત્વ અંગે જાગૃત કરાયા
રાજકોટ તા. ૦૩ એપ્રિલ – લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે ૧૦ – રાજકોટ સંસદીય મત વિસ્તારના મુખ્ય ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોષીના નેતૃત્વમાં તથા સ્વીપ (સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટ્રોલ પાર્ટીશીપેશન) નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શનમાં લોકશાહીના અવસરને દીપાવવા ઠેર-ઠેર મતદાન અંગે જાગૃતિની કવાયત હાથ ધરવામાં આવી છે. આ અભિયાનમાં મતદારો ઉપરાંત દેશના ભાવિ નાગરિકોને પણ સહભાગી બનાવવામાં આવી રહ્યાં છે.
૬૭ – વાંકાનેર વિધાનસભા મતદાર વિભાગમાં આવેલા મહિકા ગામમાં જે.પી.હાઇસ્કુલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને લોકશાહી પદ્ધતિ, ચૂંટણી પ્રક્રિયા, મતદાનના મહત્વ, ભવિષ્યમાં મતાધિકારના ઉપયોગ સહીતની બાબતો અંગે સરળ ભાષામાં સમજૂતી આપવામાં આવી હતી. આ તકે વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિના પ્રયાસો કરશે, તેવો ઉત્સાહ દેખાડ્યો હતો.
વધુમાં, વિદ્યાર્થીઓ પોતાના પરિજનો, પાડોશીઓ સહિતના પોતાના સંપર્કમાં આવતા મતદાતાઓને મત આપવાની પ્રેરણા પૂરી પાડીને ‘હું મતદાન કરાવીશ’ તેવી ખાતરી આપી હતી. તેમજ વર્તમાનમાં મતદાન કરાવશે અને ભવિષ્યમાં મતદાન કરશે, તેવા શપથ લીધા હતા. આમ, લોકશાહીના પર્વ ચૂંટણીમાં ભાવિ નાગરિકો અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.