
જસદણના ભાડલામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’માં લાભાર્થીઓને સહાય વિતરણ
બહેનોને પોષણકીટનું વિતરણ, કારીગરોને લોન તથા તાલીમ અંગે અપાયું માર્ગદર્શન
Rajkot, Jasdan: ઘરઆંગણે જ સરકારી યોજનાઓનો લાભ ઉપલબ્ધ કરાવવા સાથે યોજનાઓની માહિતી આપતી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું જસદણ તાલુકાના ભાડલા ગામમાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રથના આગમન પ્રસંગે યોજાયેલી સભામાં લોકોને વિવિધ સરકારી સહાય-લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભાડલામાં એચ. આર. ગારડી હાઇસ્કૂલ ખાતે રથયાત્રાના સ્વાગત સાથે સભા યોજવામાં આવી હતી. આ તકે બહેનોને પોષણકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ઉજ્જવલા ગેસ કિટ વિતરણ પણ કરાયું હતું. સંકલ્પ રથ દ્વારા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભની માહિતી અપાતી હતી, જેનો પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.
આ તકે વિવિધ કારીગરોને તેમના ધંધા-રોજગારના વિકાસ માટે સરળતાથી અપાતી લોન અંગે માહિતી આપવામાં આવી હતી તેમજ જો કારીગરોને ધંધાના વધુ વિકાસ માટે કોઈ સ્કીલ કે તાલીમની જરૂરિયાત હોય તો તે પણ કેવી રીતે મળી શકે તેની જાણકારી આપવામાં આવી હતી.
‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજનાથી થયેલા લાભ અને પોતાના જીવનમાં આવેલા ગુણાત્મક પરિવર્તન અંગે લાભાર્થીઓએ પોતાની કહાની રજૂ કરી હતી. આ અવસરે લોકોએ દેશની એકતા, અખંડિતતા અને સંપ્રભુતા જાળવી રાખવા સાથે દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ લીધો હતો.