
તા.૧ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
આઈ.ટી.આઈ. રાજકોટ દ્વારા આયોજિત ભરતીમેળામાં ૧૬ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને રાજકોટ આઈ.ટી.આઈ. દ્વારા પી.એમ.આઈ. ઇલેક્ટ્રો મોબિલિટી સોલ્યુશન્સ પ્રા.લી. ગ્રુપની કંપની નારાયણ સીટી બસ (ઇલેક્ટ્રિક બસ) કંપની માટે દ્વારા આજી ડેમ પાસે આવેલ સરકારી આઈ.ટી.આઈ. ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈલેક્ટ્રિક બસ મેઇન્ટેનન્સની જગ્યા રાજકોટ માટે આઈ.ટી.આઈ.નાં રેફ્રીજરેશન અને એ.સી., ઈલેક્ટ્રીશીયન, ટાયરમેન, મેકેનિક ટ્રેડ પાસની શૈક્ષણિક લાયકાત ધરાવતાં ૧૮ થી ૩૦ વર્ષનાં માત્ર પુરુષ ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ રોજગાર ભરતી મેળામાં કંપની તરફથી એચ.આર. મેનેજરશ્રી શાંતનુ ટંડન, ઓપરેશન મેનેજરશ્રી શિવદત, ઇલેક્ટ્રિક વિભાગનાં હેડશ્રી ગૌરવ શર્મા, ઓફીસ એડમીનશ્રી હિતેશભાઈ હાજર રહ્યા હતા. શરૂઆતમાં કંપનીના એચ.આર.મેનેજરશ્રી શાંતનુ ટંડન દ્વારા પ્રિ-પ્લેસમેન્ટ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપનીનું સ્થળ, હોદ્દો, સેલેરી, કરવાની થતી કામગીરી સહિતની જરૂરી માહિતીઓની જાણકારી ઉમેદવારોને આપવામાં આવી હતી. ત્યારબાદ હાજર રહેલા ૪૫ ઉમેદવારોનાં મૌખિક ઇન્ટરવ્યુ દ્વારા જરૂરી લાયકાત ધરાવતાં ૧૬ ઉમેદવારોની પસંદગી કરી સીધી કંપનીના પે રોલ પર ભરતી કરવામાં આવી હતી.
આઈ.ટી.આઈ.માં રોજગારલક્ષી વિવિધ કોર્ષમાં પ્રવેશ મેળવવા માટે https://itiadmission.gujarat.gov.in પોર્ટલ ઉપર તા.૨૫/૦૬/૨૦૨૩ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ સરકારી આઈ.ટી.આઈ.ખાતે સવારે ૧૦.૦૦ થી ૦૫.૦૦ કલાક દરમ્યાન રૂબરૂ સંપર્ક કરવા આઈ.ટી.આઈ. રાજકોટનાં આચાર્યશ્રી સાગર રાડિયાએ અનુરોધ કર્યો છે.