GUJARATKUTCHMANDAVI

હેપ્પી મધર્સ ડે: માતૃત્વની વાત્સલ્યમૂર્તિએ કૌશલ્યની કિંમત સમજી દિકરીના દિ’ વાળ્યા! માં-દિકરીની સક્ષમ જુગલબંધી બની પ્રેરણાસ્ત્રોત 

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી તા- ૧૩ મેં : એ વિરાટ મહાસાગર પણ સાવ નાનો લાગે, જ્યારે ‘મ’ ને કાનો લાગે… માતૃત્વના અગણિત ઉપકારોને વખાણીએ તો, વર્ષોના વર્ષો વીતે તોય પુરા ન થાય. આજે આપણે મમતાના મહાસાગર સમી એક એવી માતાની વાત કરવાના છીએ, જેણે દિકરીના ઝંઝાવાતી જીવનમાં પડછાયાની પાળ બાંધી જાણે પુનર્જન્મ આપ્યો. ઈશ્વર ક્યારેક ક્રૂર બની કેટલાકના કિસ્મત કાળી શાહીથી કેમ લખતો હશે? ગુજરાતના છેવાડાના જીલ્લા કચ્છના ભૂજ ખાતે રહેતા માતા દિપાલીબેન જોતીયાણાની આ વાત છે. દિપાલીબેન દિકરી અલ્કાને રંગેચંગે પરણાવ્યા બાદ જવાબદારી પૂર્ણ થયાની રાહત અનુભવતા હતા, ત્યાંજ દિકરી સાસરેથી અચાનક પરત ફરી અને એ પણ પોતાની એક વર્ષની દિકરીને લીધા વગર. આ અસહ્ય વેદનાથી જાણે તેમના પર દુ:ખોનો પહાડ તૂટી પડ્યો. અચાનક આવી પડેલા આઘાતને કારણે થોડા દિવસ તો દિગ્મૂઢ થઈને તેઓ ભવિષ્ય વિશે વિચારી ન શક્યા પરંતુ સમયમાં બધા ઘા રુઝવવાની તાકાત છે.  એક વર્ષ અગાઉ જ્યારે તેમણે ભૂજ સ્થિત અદાણી સક્ષમ કેન્દ્રની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે કલ્પના પણ નહીં કરી હોય કે, તે અલ્કાના જીવનમાં મહત્વપૂર્ણ વળાંક સાબિત થશે. દિપાલીબેને દિકરીને ફરી ઉભી કરી. ત્યક્તા દિકરીના અંધકારમય ભવિષ્યની ચિંતા તેમના ચોંધાર આંસુઓમાં છલકાતી હતી. એક વર્ષના માસુમ બાળકને પતિને સોંપી દેવાના ગમથી અલ્કાની મનોવેદના ચરમસીમાએ હતી. તેવામાં દિપાલીબેને પ્રેરણારૂપ પહેલ કરી અલ્કાના દિ’ વાળ્યા. અલ્કાને સક્ષમના ‘જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ (GDA)’ કોર્સમાં પ્રવેશ લેવા પ્રેરિત કરી.અલ્કાની કારકિર્દીને નવી દિશા મળે તે હેતુથી તેને સક્ષમ કોર્સમાં એડમિશન લેવા સમજાવી પરંતુ સમયની પછડાટના કારણે અલ્કાબેન એટલો આત્મવિશ્વાસ જાગૃત ન કરી શક્યા. નિરાશાના વાદળોમાં ઘેરાયેલી અલ્કા તે માટે લગીરે તૈયાર નહતી. એવા સમયે દિપાલીબેન દિકરીની હિંમત બન્યા. દિકરીના ભવિષ્યને અંધકારમય થતુ અટકાવવા તેમણે વિદ્યાર્થી બની જીડીએ કોર્સમાં પ્રશિક્ષણ લેવાનું શરૂ કર્યું. સફળતાપૂર્વક તાલીમ પુર્ણ કર્યા બાદ મા-દિકરીને અદાણી સ્કીલ ડેવલપેન્ટ સેન્ટર-ASDCનું સર્ટિફિકેટ એનાયત થયું. એ સોનેરી દિવસોને યાદ કરતા આજે પણ દિપાલીબેનની આંખો ભરાઈ આવે છે. તેમના શબ્દોમાં કહીએ તો “જેમ માતા પોતાના સંતાનને પ્રેમરૂપી અમૃતથી સીંચે છે તેમ, અદાણી સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટરે અમારામાં આત્મવિશ્વાસનું રોપણ કર્યું છે. ભૂજની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરી પગભર બનેલી અલ્કા આજે પ્રેરણારૂપ બની છે. હા, અમે સક્ષમ છીએ તેનું મને ગૌરવ છે.” મા-દિકરીની અનોખી જુગલબંદી આજે સમાજના અનેક લોકો માટે પ્રેરણાસ્ત્રોત બની છે અને તેમાં માધ્યમ બન્યું અદાણી કૌશલ્ય વિકાસ કેન્દ્ર. અલ્કા જણાવે છે કે, “ જ્યારે કોઈ સમસ્યાઓથી ચોમેર ઘેરાઈ જાય છે, ત્યારે તેને હતાશા ઘેરી વળે છે. જોકે એવા કટોકટીના સમયે અદાણી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર(ASDC)ની મદદ મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો છે.”.  ભુજની ખાનગી હોસ્પિટલમાં અલ્કા નર્સિંગ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવી આત્મનિર્ભર બની છે. છેલ્લા 12 વર્ષથી ભુજની ખાનગી હોસ્પિટલમાં દીપાલીબેન નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવતા હતા, પરંતુ સક્ષમના પ્રમાણપત્રથી તેમને નવી ઓળખ મળી છે. આજે તેઓ નર્સીંગ આસિસ્ટન્ટ બની દર્દીઓની સેવા કરવાનું ગૌરવ અનુભવે છે. ASDC દ્વારા GDA જેવા 70 થી વધુ ટૂંકાગાળાના કોર્સીસ ચલાવવામાં આવે છે. જેને સફળતાપૂર્વક પૂર્ણ કરી તાલીમાર્થીઓ રોજગારી/સ્વરોજગારની વિપુલ તકો પ્રાપ્ત કરી શકે છે. અદાણી ફાઉન્ડેશન સંચાલિત ASDC એ અલ્કા જેવા અનેક યુવા ભાઈ-બહેનોને સક્ષમ બનાવ્યા છે. જેમાં કેદી ભાઈઓને, દિવ્યાંગોને, પ્રતિકૂળ પરિસ્થિતિમાં જીવનનિર્વાહ કરતી બહેનોને તથા આર્મી જવાનોની પત્નીઓને તાલીમ આપવાનો સમાવેશ થાય છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button