
મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને “શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ નું આયોજન
કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરતા શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યુ હતું.

મોરબી જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે મોરબી તાલુકાની નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના મદદનિશ શિક્ષકશ્રી અશોકકુમાર મહાદેવભાઈ કાંજીયાને જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેકટરશ્રી તથા જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન તથા શ્રેયાન અધિક્ષક પરેશભાઈ દલસાણીયા-ગાંધીનગરના હસ્તે જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. પોતાની શાળામાં વિવિધ ઈનોવેટીવ રીતે શૈક્ષણીક કાર્ય કરતા અશોકકુમાર કાંજીયા દ્વારા જિલ્લાકક્ષાએ પોતાના ઇનોવેશન રજુ કરેલા છે. આ ઉપરાંત બાળકો મોબાઈલ દ્વારા જ પોતાનું સ્વમૂલ્યાંકન કરી શકે એ માટે વિવિધ પ્રકારની ઓનલાઈન કસોટી બનાવવામાં આવે છે. વિદ્યાવાહક તરીકે GIET અમદાવાદ આયોજીત ગ્રીષ્મોત્સવ અને ચિત્રસ્પર્ધા વગેરે જેવા શૈક્ષણિક કાર્યમાં વિશેષ સમય ફાળવી બાળકોને ઉત્સાહપૂર્વક તૈયારી કરાવેલ જે બદલ શિક્ષણમંત્રી દ્વારા પણ સન્માન મેળવેલ છે. ફિલ્ડ ઈન્વેસ્ટીગેટર તરીકે વિવિધ શાળામાં મુલ્યાંકન કાર્ય કરેલ છે, તેમજ શિક્ષક તાલીમ વર્ગમાં માસ્ટર ટ્રેનર તરીકે કામ કરેલ છે. તેમના આચાર્ય તરીકેના કાર્યકાળમાં શાળાને સ્વચ્છ શાળા તેમજ વોટર ફેસીલીટી એવોર્ડ પણ મળેલ છે તેમજ ‘ગામનું બાળક ગામમા જ ભાણે’ એ માટે વેકેશનના સમયગાળામાં ડોર ટુ ડોર વાલી મુલાકાત કરી ૭૬ બાળકોને ખાનગી શાળામાંથી સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. આ ઉપરાંત પુલવાહા હુમલામાં શહીદ પરીવાર માટે ગામમાં મૌન રેલી દ્વારા ફાળો એકત્રિત કરવો. ગણિત વિજ્ઞાન પ્રદર્શન, બાળમેલા, વિષયવસ્તુ નિર્માણ, પ્રવૃતિમય શિક્ષણ, વાલી મીટીંગ, રમતગમત, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, હોળી-ધુળેટી, જન્માષ્ટમી, નવરાત્રી, રક્ષાબંધન, શિક્ષક દિન, રાષ્ટ્રીય પર્વની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમ, દિન વિશેષ વિડિયો, શાળા નિર્માણ અને ભૌતિક સુવિધા વધારવા માટે લોક સહકાર મેળવી શાળામાં ખૂબ મોટુ યોગદાન રહ્યું છે. શિક્ષણની સાથે સાથે બાળકોમાં સુસંસ્કારોનું સિંચન થાય તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. તેઓ હંમેશા સેવાકીય પ્રવૃત્તિમાં પણ જોડાયેલા રહે છે. તેઓ છેલ્લા ૮ વર્ષથી બાળકોના સહકારથી પક્ષી બચાવો અભિયાન ચલાવી રહ્યા છે.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા સાહેબે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું. તેમજ આભારવિધી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવિણભાઈ અંબારીયા સાહેબે કરી હતી. કાર્યક્રમનું સમગ્ર સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યુ હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, જિલ્લા કલેકટરશ્રી જી.ટી.પંડ્યા સાહેબ, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન પ્રવિણભાઈ સોનગ્રા, તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને બી.આર.સી.કો- ઓર્ડીનેટર, સંઘના હોદેદારો, શિક્ષકો, વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.








