
તા.૨૨ મે
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજય સરકાર દ્વારા જરૂરિયાતમંદ માનવીઓ માટે અનેકવિધ લોક કલ્યાણકારી યોજનાઓ કાર્યરત છે. જેમાં દિવ્યાંગોનો પણ સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અધિકારીશ્રી પ્રાર્થના સેરસીયાના માર્ગદર્શનમાં તા.૧.૪.૨૨ થી તા.૨.૨.૨૩ સુધી આવેલ અરજીઓમાં ૭૮૪ દિવ્યાંગ સાધન સહાય મંજૂર કરાઇ હતી.

૨૧ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા ૪૦% કે તેથી વધુ દિવ્યાંગતાવાળી વ્યક્તિને દિવ્યાંગ સાધન સહાય મળી શકે છે. સરકારશ્રી તરફથી આવકનું ધોરણ રદ કરવામાં આવ્યુ છે. આ યોજનાનો લાભ મેળવવા માગતા દિવ્યાંગો ગુજરાત રાજ્યના વતની હોવા જોઇએ. દિવ્યાંગ વ્યક્તિને કૃત્રિમ અવયવ માટે ઘોડી, (બુટ) કેલીપર્સ, ત્રણ પૈડાવાળી સાયકલ, વ્હીલચેર વગેરે માટે આર્થિક સાધન સહાય આપવામાં આવે છે. સ્વરોજગારી માટે હાથલારી, સિલાઇ મશીન, મોચી કામ માટેના સાધનો, સુચારી, ઇલેકટ્રીક રિપેરીંગ, એમ્બ્રોઇડરી મશીન, શ્રવણમંદ વ્યક્તિ માટે એઇડ, તેમજ અન્ય સાધન સહાય, દ્રષ્ટિહીન વ્યક્તિ માટે સંગીતના સાધનો વગેરે આર્થિક સાધન સહાય રૂ।. ૨૦,૦૦૦ ની મર્યાદામાં આપવામાં આવે છે.
અરજીપત્રક જિલ્લા સમાજ સુરક્ષા કચેરીમાંથી વિના મુલ્યે મળે છે, જે ભરીને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને ઉંમરનો પુરાવો, દિવ્યાંગ ઓળખકાર્ડની નકલ, સ્વરોજગારી માટે અનુભવ કે તાલીમનો દાખલો, દિવ્યાંગતા તબીબી પ્રમાણપત્ર, અરજદારની રાષ્ટ્રિયકૃત બેંક પાસબુકની પ્રમાણિત નકલ, અરજદારના આધારકાર્ડની પ્રમાણિત નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, વગેરે સાથે આપવાનું રહેશે. અરજદાર પોતાની જાતે પણ ઓનલાઇન અરજી esamajkalyan.gujarat.gov.in ઉપર કરી શકે છે.








