
તા.૩૦ મે
વાત્સલ્યમ્ સમાચાર
તમાકુ છોડવા માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૧૨-૩૫૬ પર સંપર્ક કરી શકાશે
તમાકુના સેવનને કારણે આરોગ્ય ઉપર થતા ગંભીર પરિણામો અંગે લોકજાગૃતિ કેળવવા માટે દર વર્ષે ૩૧ મેના રોજ “વિશ્વ તમાકુ નિષેધ દિન”ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે “We need food, not tobacco” થીમ પરનો ટોબેકો ડે ઉજવાશે. ટોચના તમામ તમાકુ ઉત્પાદક દેશો ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો છે. આ દેશોમાં તમાકુનો ઉપયોગ ઘટાડીને તમાકુ વાવવા માટેની જમીનનો ઉપયોગ ધાન્યો માટે થાય તો ભૂખમરો અને કુપોષણની સમસ્યા અટકાવી શકાય અને વૈશ્વિક ખાદ્ય સંકટ નિવારી શકાય તેવા સંદેશ સાથે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આ થીમ રાખવામાં આવી છે.

તમામ માદક દ્રવ્યોથી દૂર રહેવાની વાત ભારતીય સંસ્કૃતિમાં પરંપરાગત રીતે વણાયેલી છે. છતાં એક વૈશ્વિક સર્વે (GATS2)અનુસાર ભારતમાં ૨૭ કરોડ લોકો તમાકુનું સેવન કરે છે, ભારતમાં ૧૨.૮ લાખ લોકો દર વર્ષે તમાકુના કારણે મૃત્યુ પામે છે. એટલે કે રોજ ૩૫૦૦ લોકો વ્યસનની કુટેવને કારણે જીવન ગુમાવે છે. વળી, તમાકુ સેવન અને તેનાથી થતા રોગો પાછળ થતો અંદાજીત એક લાખ કરોડથી વધુનો ખર્ચ એક વિકાસશીલ દેશ માટે ખુબ મોટા ભારણ સમાન છે.


ભારત વિશ્વમાં સૌથી વધુ તમાકુનું ઉત્પાદન અને ઉપભોગ કરતા ટોચના દેશોમાંનો એક છે. ભારતમાં છીંકણી, બજર, સિગારેટ, હુક્કો, પાન-મસાલા જેવા અનેક સ્વરૂપે તમાકુનું સેવન થાય છે. તમાકુ માનવ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. તમાકુથી કેન્સર, ફેફસાના રોગો, લોહીનું દબાણ, હૃદયરોગ, નપુંસકતા, પાચનતંત્રને લગતા રોગો, ચેતાતંત્રને લગતા રોગો થાય છે. વિશ્વમાં ગંભીર બીમારી અને મૃત્યુના મુખ્ય કારણોમાં તમાકુનો સમાવેશ થાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ તમાકુ તેના ઉપયોગકર્તા લોકોમાંથી અડધાનો જીવ લે છે. વૈજ્ઞાનિક રીતે જોઈએ તો તમાકુનો છોડ નિકોટીન, કેડમિયમ, લેડ જેવા અત્યંત નુકસાનકર્તા સંયોજનો ધરાવે છે. તેમ છતાં મજૂરી કામ કરતા લોકો તેણે શક્તિવર્ધક માનીને ખાય, તો કેટલાક તણાવને ઘટાડવા તમાકુ ખાય છે. કેટલાંક લોકો શાન ગણી સિગારેટ લે છે, જે અંતે કેન્સરને આમંત્રણ આપે છે.
આપણી આસપાસ અથવા આપણા સગાં-વહાંલાઓ પૈકી ઘણાં લોકો તમાકુનું એક યા બીજી રીતે સેવન કરતા હોય છે. તમાકુનું સેવન ઘણીવાર તેમને પણ પસંદ નથી હોતું, પરંતુ તે તેમની આદત પર કાબૂ મેળવવાની નિર્બળતા હોય છે. આ નિર્બળતા બાબતે એક લેખક સુંદર વાત કરતા કહે છે કે “એક-દોઢ વર્ષનું બાળક પોતાની માનું અમૃત તુલ્ય ધાવણ મૂકી શકે છે અને આપણે આવી હલકી એક તમાકુની આદત ના મૂકી શકીએ?” તમાકુની આદતથી મુક્ત થવા માટે ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ ખાસ ક્વિટલાઈન કાર્યરત છે. આ માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૧૧૨-૩૫૬નો સંપર્ક કરી શકાય છે.








