સખી મંડળ થકી હું તો પગભર બની જ છું સાથે અન્ય બહેનોને પણ રોજગારી પૂરી પાડવાના પ્રયાસ કરી રહી છું” :જમીલાબેન

“સખી મંડળ થકી હું તો પગભર બની જ છું સાથે અન્ય બહેનોને પણ રોજગારી પૂરી પાડવાના પ્રયાસ કરી રહી છું” :જમીલાબેન
ઘર કે ખેતરની સરહદો વટાવી મહિલાઓ પોતાની હસ્તકલા અને આવડત તેમજ સરકારના સહકાર થકી આજ વિશ્વકક્ષાએ પહોંચી
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહિલા સશક્તિકરણ ક્ષેત્રે અનેક મહત્વના પગલાં લીધા જે થકી મહિલાઓએ સમાજમાં પોતાની અલગ જ ઓળખ ઉભી કરી છે. મહિલા સશક્તિકરણ તરફના મહત્વના અભિગમો થકીનું એક મહત્વનું પગલું એટલે સખી મંડળની રચના અને તેને ઉત્તેજન. સખી મંડળ થકી છેવાડાના ગામડાઓની બહેનો કે, જેમણે ઘર કે ખેતર સિવાય કંઈ જોયું નહોતું તે ઘર કે ખેતરની સરહદો વટાવી મહિલાઓ પોતાની હસ્તકલા અને આવડત તેમજ સરકારના સહકાર થકી આજ વિશ્વકક્ષાએ પહોંચી છે. સખી મંડળની બહેનો દ્વારા બનાવવામાં આવતી વિવિધ પેદાશોએ પણ પોતાની એક અલગ જ ઓળખ ઊભી કરી છે.

મોરબીના પ્રતાપગઢ ખાતે ફયઝાન મિશન મંગલમ જૂથ સાથે જોડાયેલા જમીલાબેન બાંધણીના દુપટ્ટા બનાવવાનું કામ કરે છે. તેમના દ્વારા હાથે બનાવવામાં આવેલી આ બાંધણીઓની માંગ પણ એટલી છે. આ બાંધણીઓના ગૂંથણ સાથે કેટલી બધી બહેનોની રોજગારી ગૂંથાયેલી છે. તેમના નેતૃત્વ હેઠળ ફયઝાન મિશન મંગલમ જૂથ સખી મંડળની અન્ય બહેનો પણ રોજગારી મેળવી રહી છે. હાલ મોરબી ખાતે ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ઊભા કરાયેલા પ્રાદેશિક સરસ મેળામાં જમીલાબેન સ્ટોલ મેળવી આ બાંધણીની ઓઢણીઓનું વેચાણ કરી રહ્યા છે.
આ બાબતે જમીલાબેન જણાવે છે કે, “અમારા સખી મંડળ સાથે ૧૦ બહેનો જોડાયેલી છે. બાંધણીની ઓઢણીઓ બનાવી હું તો પગભર બની જ છું સાથે અન્ય બહેનોને પણ રોજગારી પૂરી પાડવાના પ્રયાસ કરી રહી છું. સરકાર દ્વારા અવાર નવાર આવા મેળાઓનું આયોજન કરવામાં આવતું હોય છે. અમે આ પ્રકારના મેળાઓમાં જઈએ છીએ જ્યાં અમારી આ પેદાશનું સારૂ એવું વેચાણ થાય છે અને અમને રોજગારી પણ મળી રહે છે. ઉપરાંત અન્ય ઘણા જિલ્લામાંથી બહેનો આવતી હોવાથી તેમની પાસેથી ઘણું બધું નવું જાણવા પણ મળે છે. આ પ્રકારના મેળાઓ અમારી રોજગારી માટે ખૂબ મહત્વના છે, સરકાર અવારનવાર આવા મેળાઓનું આયોજન કરે છે જેથી અમે સરકારના ખૂબ આભારી છીએ”.
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ઠેર-ઠેર યોજવામાં આવી રહેલા પ્રાદેશિક સરસ મેળા તેમજ અન્ય વાર તહેવાર ઉપર યોજાતા વિવિધ પ્રકારના મેળા અને પ્રદર્શનો સખી મંડળની બહેનો માટે ખૂબ મહત્વના છે. આ મેળા અને પ્રદર્શનો બહેનો માટે ખુલ્લા આકાશ જેવા બની રહ્યા છે જ્યાં બહેનો સરકારના સહકાર થકી પોતાની સપનાઓની ઊડાન સરળતાથી ભરી રહી છે. આવા મેળાઓ થકી બહેનો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓને પૂરતું માર્કેટ મળી રહે છે જેથી આ પેદાશોનું પ્રમોશન પણ થઈ જાય છે અને વેચાણ પણ બહોળું થાય છે.








