
પાકિસ્તાનથી ટુરિસ્ટ વિઝા લઈને આવેલા ૪૫ હિન્દુ પાકિસ્તાની નાગરિકો બનાસકાંઠા થઈને મોરબી આવી પહોંચતા તંત્ર દોડતું થયું
હળવદ: પાકિસ્તાનથી ટુરિસ્ટ વિઝા લઈને આવેલા ૪૫ હિન્દુ પાકિસ્તાની નાગરિકો બનાસકાંઠા થઈને મોરબી આવી પહોંચતા મોરબી જિલ્લાનું વહિવટી તથા પોલીસ તંત્ર દોડતું થયું છે. મોરબીમાં આવેલ કોળી ઠાકોર જ્ઞાાતિની વાડીમાં આશરો મેળવ્યો છે. અને તેઓ શરણાર્થી તરીકે રહેવા માંગતા હોય તેવી માંગ કરી રહ્યાં છે. જે મામલે ઠાકોર સમાજના અગ્રણીોએ કલેકટર અને પોલીસને રજૂઆત કરી છે.

બનાસકાંઠાથી ગત રાત્રીનાં ૪૫ જેટલા પાકિસ્તાની હિંદુ નાગરિકો મોરબી આવી પહોંચ્યા છે. તેઓ પાકિસ્તાનથી યાત્રાધામ હરિદ્વારના ટુરિસ્ટ વિઝા લઈને આવ્યા હતાં. જેઓ બનાસકાંઠા તેમના સગા વહાલાંને મળવા આવ્યા બાદ મોરબી પહોંચી ગયા છે. ૪૫ નાગરિકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. મોરબીમાં જિલ્લા કલેકટર કચેરી પાછળ આવેલ ઠાકોર કોળી સમાજની વાડી ખાતે તેઓ રોકાયા છે. આ અંગે કોળી સમાજ આગેવાનોએ તંત્રને જાણ કરી હતી કે, તેઓ પાકિસ્તાની નાગરિકો છે. અને ભારતમાં શરણ માંગી રહ્યાં છે. ભારત સરકાર તેમને મોરબીમાં આશરો આપે તેવી માંગ કરે છે.
તેઓ પાકિસ્તાન પરત જવા માંગતા નથી. જો કે પાકિસ્તાની હિંદુ નાગરિકો બનાસકાંઠા પોહંચ્યા હોય જેની બોર્ડર પાકિસ્તાન સાથે મળતી હોવાથી તંત્રએ બોર્ડર એરિયા હોવાથી તેઓને રહેવા દેવા તંત્રએ ઈનકાર કર્યો હતો. અને નજીકમાં મોરબી હોવાથી બાળકો અને મહિલાઓ સાથે તમામ લોકો મોરબી આવી પહોંચ્યા હતાં. પાકિસ્તાનથી આવેલ નાગરિકોએ પાકિસ્તાનની સ્થિતિ ખરાબ છે. અતિશય મોંઘવારી હોય જયાં રહેવું પોસાય તેમ નથી. અને બાળકોને ભણાવી શકતા નથી તેવી વેદના રજૂ કરી હતી. જેથી તેઓ ભારત આવ્યા છે. અને અહી બાળકોને સારૂં ભવિષ્ય મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. અન ેતેઓને ભારતમાં શરણાર્થી તરીકે આશરો મળે તેવી માંગ કરી રહ્યાં છે.
જે મામલે પોલીસ અધિકારીએ જણવ્યું હતું કે, અમારી પાસે રજૂઆત કરવા આવ્યા છે કાગળો ચેક કરતા વિઝા હરિદવાર માટે લઈને આવ્યા છે. હાલ દસ્તાવેજી પ્રક્રિયા ચાલુ છે. અને તપાસ ચલાવી રહ્યાં છીએ.








