
દિલ્હી હાઈકોર્ટે દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ધરપકડથી રક્ષણ આપવાનો ઈન્કાર કરી દીધાના થોડા કલાકો બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની ટીમ કેજરીવાલના નિવાસસ્થાને પહોંચી છે. તપાસ એજન્સીએ કેજરીવાલની પૂછપરછ બાદ ધરપકડ કરી છે.
કેજરીવાલના નિવાસસ્થાનની બહાર 144ની કલમ લાગુ
બીજી તરફ કેજરીવાલના નિવાસસ્થાનની બહાર પોલીસનો કાફલો પણ તહેનાત કરાયો છે. આ સિવાય 144ની કલમ પણ લાગુ કરી દેવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને આપ પાર્ટીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
ઈડીની ટીમ દ્વારા કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી નેતાઓ સહિત કાર્યકર્તાઓ પણ બહોળી સંખ્યામાં પહોંચી ગયા છે. ત્યાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કેટલાક કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી છે. કેજરીવાલના ઘરે ઈડી પહોંચ્યા બાદ આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજ પણ ત્યાં પહોંચી ગયા છે. જોકે તેમને ઘરમાં જવા દેવાયા નથી. આ દરમિયાન ભારદ્વાજે કહ્યું કે, ઈડીની ટીમે કેજરીવાલની ધરપકડની તૈયારી કરી છે. ત્યાં પહોંચેલા દિલ્હી કેબિનેટ મંત્રી અતિશીએ કહ્યું કે, કોર્ટે દ્વારા નોટિસ જારી કરાયાના એક કલાકની અંદર ઈડી તેમના નિવાસસ્થાને પહોંચી છે. આના પરથી લાગી રહ્યું છે કે, ઈડી સ્વતંત્ર તપાસ એજન્સી નહીં, પરંતુ ભાજપનું રાજકીય હથિયાર છે.
તમને જણાવી દઈએ કે, ઈડી દિલ્હી લિકર પોલિસી કેસમાં તપાસ કરી રહી છે. ઈડીએ અત્યાર સુધીમાં કેજરીવાલને 9 સમન્સ મોકલ્યા હતા, પરંતુ એક પણ વખત હાજર થયા નથી.










