
મોરબીમાં ધી વી.સી. ટેક. હાઇસ્કુલ ખાતે શિક્ષક દિન સમારંભ યોજાયો
શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ ૨૦૨૩ અંતર્ગત ૮ શિક્ષકો અને ૧૦ બાળકોને સન્માનિત કરાયા

મોરબીમાં શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરી શિક્ષક દિન સમારંભની ઉજવણી શિક્ષણ વિભાગ ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીની કચેરી, મોરબી દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરાના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.

જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે શિક્ષક અને બાળકો વચ્ચેના સંબંધો સુમધુર હોય છે શિક્ષક ઈચ્છે તો બાળકમાં સારામાં સારા ગુણોનું નિરૂપણ કરી વિવિધ પ્રકારના કૌશલ્યો વિકસાવી શકે છે. બાળકોની વિકાસ પ્રતિભાને ખીલવી શકે છે. બાળકોમાં ઉત્સાહનો સંચાર કરી શકે છે. હાલમાં વૈજ્ઞાનિકો દ્વારા મોકલવામાં આવેલ ચંદ્રયાનના વૈજ્ઞાનિકોના ધડતરમાં પણ શિક્ષકોનો ફાળો મહત્વનો છે.
કલેકટરશ્રી જી. ટી. પંડયાએ આ પ્રસંગે ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ ૧૨ માં સાયન્સ વિભાગમાં મોરબી જિલ્લાએ પ્રથમ ક્રમાંક મેળવતા મોરબી જિલ્લાના સર્વે શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન-કવનને યાદ કરી તેમના શ્રેષ્ઠ વ્યક્તિત્વને બિરદાવ્યું હતું. શિક્ષકો દ્વારા જ દેશના ભવિષ્યનો પાયો મજબૂત બની શકે છે.
શિક્ષકદિન સમારંભ કાર્યક્રમમાં મોરબી તાલુકાના સંજયકુમાર બાપોદરીયા અને અશોકભાઈ કાંજિયા, માળીયા મીયાણા તાલુકાના મહેશભાઈ ગાગિયા અને યોગેશભાઈ ગામી, ટંકારા તાલુકાના જીવતીબેન પીપળીયા, હેતલબેન સોલંકી, દિપાલીબેન આદેશરા તેમજ વાંકાનેર તાલુકાના વિશાલકુમાર ચૌહાણને મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. વિવિધ સ્કોલરશીપ લક્ષી પરિક્ષાઓ માં સફળતા મેળવેલ ૧૦ વિદ્યાર્થીઓ સન્માન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમનું સફળ સંચાલનશ્રી દિનેશભાઇ વડસોલાએ કર્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરા, કલેકટરશ્રી જી. ટી. પંડ્યા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી પ્રવીણભાઈ સોનગ્રા, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી નિલેશ રાણીપા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી પ્રવીણ અંબારિયા તાલુકા પ્રાથમિકશિક્ષણ અધિકારીશ્રીઓ આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વાલીશ્રીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.








