GUJARATMORBITANKARA

ટંકારા ની હરતી ફરતી જીવતી-જાગતી શાળા: જીવતીબહેન પીપલીયા

ટંકારા ની હરતી ફરતી જીવતી-જાગતી શાળા: જીવતીબહેન પીપલીયા

‘બાળકને જોઈ જે રીઝે, રીઝે બાળક જોઈ જેને, વત્સલ મૂરત સ્નેહલ સુરત, હૃદયથી વંદન તેને.’

૫ સપ્ટેમ્બર એટલે ‘શિક્ષક દિવસ’. એક મહાન શિક્ષક, ફિલોસોફર અને ભારત રત્ન પ્રાપ્તકર્તા, સ્વતંત્ર ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એવા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસના અવસરે દર વર્ષે ૫ સપ્ટેમ્બરે ‘શિક્ષક દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજના આ શુભ અવસર પર આપણે વાત કરવી છે હરતી ફરતી શાળા એટલે ‘જીવતીબહેન પીપલીયા’.

સંસ્કાર, શિક્ષણ, સાહિત્ય, સ્વાધ્યાય સંસ્કૃતિનો સંગમ એટલે જીવતીબહેન પીપલીયા. લખધીરગઢ પ્રા.શાળામાં એક થી પાંચ ધોરણમાં અભ્યાસ કરાવતા જીવતીબહેન જેમ એક બહેન વહાલથી અને માતા મમતાથી પોતાના બાળકનો ઉછેર કરે છે તેમ તે બાળકોને લગનથી ભણાવી તેના બાળમાનસનો ઉછેર કરે છે. બાળકો સાથે રહીને તે બાળકની આંખની ભાષા વાંચી બાળકને શું ગમે છે અને શું નહિ તે પારખી બાળકો સાથે અંતર-મનથી જોડાઈને એમના જીવનનું ઘડતર કરે છે. તેઓ એમ.એ., એમ. ઍડ હોવા છતાં વિદ્વત્તાનો ભાર ખંખેરી બાળ સહજ નિર્દોષતાથી કામ કરે છે. ૨૦૧૪ થી આજ સુધી તેમના હાથ નીચેથી ભણેલા વિદ્યાર્થીઓમાંથી ૯ વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલયમાં અને ૧ વિદ્યાર્થી બાલાચડી સૈનિક સ્કૂલમાં સિલેક્ટ થયેલ છે.

NMMS, સ્કોલરશીપ પરીક્ષા, જ્ઞાન સાધના કસોટી, કલા મહાકુંભ, લોક વિજ્ઞાન કેન્દ્ર, સાહિત્ય સેતુ, કે પછી અન્ય વિભાગોમાં યોજાતી સ્પર્ધાઓ, વકતૃત્વ હોય કે સાહિત્ય સર્જન હંમેશાં તેઓ, તેમનાં વિદ્યાર્થીઓ અને એમની શાળા અવ્વલ રહે છે.

જગતથી અલગ વિચારસરણી ધરાવનાર જીવતી બહેને કોરોનાકાળ ને અવસર બનાવી મોકો ઝડપી લીધો હતો. આ સમયમાં તેઓએ પ્રથમ કોરોના કવિતા ‘જગદીશને વિશ’ લખી હતી. જેમાં કોરોના જલ્દીથી ચાલ્યો જાય અને શાળા ફરીથી બાળ કલશોરથી ગુંજતી થઈ જાય એવો ભાવ રહેલો હતો. આ કવિતા નમસ્કાર ગુજરાતમાં પ્રકાશિત થઈ હતી. જીવતી બહેને કોરાના કાળમાં અનોખો પ્રવેશોત્સવ ઉજવ્યો હતો. જેમાં તેઓ ઘરે ઘરે ફરીને બાળકોને કુમકુમ તિલક કરી, તુલસીનાં રોપા આપી, બાળકોને હૃદયથી સ્વીકારી, શાળામાં પ્રવેશ આપ્યો હતો. શાળામાં ભૌતિક સુવિધા ઊભી કરવામાં પણ તેમનો સિંહ ફાળો રહેલો છે. સાથોસાથ આર્થિક પછાત વર્ગના બાળકોને શિક્ષણમાં સહાયક બની બાળકોને પ્રેમ અને હૂંફથી શાળામાં આવકારી, તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અનેકવિધ પ્રયાસ કરી રહ્યાં છે.

“શાળા એક મંદિર અને વિદ્યાર્થી તેના દેવ” એવું માનનાર તેઓશ્રીના સ્ટાફમાં બધાં જ બહેનો હોવા છતાં તેમની શાળા ખાનગી શાળાને ટક્કર મારે તેવી છે. શાળામાં જીવતી બહેન વિદ્યાર્થીઓના માર્ગદર્શક, મિત્ર અને એક તત્વચિંતક તરીકેની ભૂમિકા સાથે મધુર વાણી અને હકારાત્મક વિચારસરણી ધરાવે છે.

શિક્ષણ સાથે સામાજિક કાર્યો માટે તત્પર એવા જીવતીબહેન હાલ યોગ બોર્ડ ગુજરાત દ્વારા લેવામાં આવેલી, ટ્રેનર પ્રેક્ટીકલ અને લેખિત પરીક્ષા પાસ કરી. ૧ સપ્ટેમ્બર ૨૦૨૩ થી ‘કરો યોગ રહો નિરોગ’ સૂત્ર અંતર્ગત ૨૫ જેટલી બહેનોને જોડી યોગ શીખવી રહ્યાં છે.

જીવતીબહેનને સી.આર.સી કક્ષાએ પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ, જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ બી.એલ.ઓ. એવોર્ડ, નારી ગરિમા એવોર્ડ, માતૃશક્તિ સન્માન, સાહિત્ય પરિષદ અને કણબીની કલમે દ્વારા સન્માનપત્ર, શાળાનાં પ્રતિભાશાળી શિક્ષક સન્માન, સ્ટોરી મિરર તરફથી ઓથર ઓફ ધ યર એવોર્ડ તેમજ સમગ્ર ગામ તરફથી શાલ અને શિલ્ડ મળેલા છે. ઉપરાંત ૫ સપ્ટેમ્બર ૨૦૨૩ના રોજ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળનાર છે.

જીવતીબહેન એ બાળગીત કાવ્યસંગ્રહ ‘પરીબાઈની પાંખે’ (૨૦૨૨) અને ‘હાથીદાદાની જય હો’ તેમજ બાળવાર્તા સંગ્રહ (૨૦૨૩) નટખટ (કૃષ્ણ ચરિત્ર) (૨૦૨૩)ની રચના કરી છે. જેમાં પ્રવીણ પ્રકાશન રાજકોટ દ્વારા પ્રકાશિત થયેલ ‘પરીબાઈની પાંખે’ અને ‘હાથી દાદાની જય હો!’ બન્ને પુસ્તકને સાહિત્ય અકાદમી દ્વારા આર્થિક સહાય મળી પણ મળી હતી. જીવતીબહેનના અંતર-મનમાં બાળહિતની ભાવના પ્રગટતા જ શબ્દોની સરવાણી વહેવા લાગે છે જેના ફળ સ્વરૂપે જ ઉપર્યુક્ત ત્રણેય પુસ્તકો બાળ સાહિત્યને અર્પણ થયા છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button