ભરૂચ ખાતે શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ આયોજિત ૧૭મી વાર્ષિક સાધારણ સભા તેમજ તેજસ્વી વિધાર્થીઓનો સત્કાર સમારંભ યોજાયો

સમાજ ઉત્કર્ષના કાર્યમાં આપણે સહુ ખભે ખભા મિલાવી કામગીરી કરવા સંસ્થાના પ્રમુખશ્રી અશોકભાઇ વેકરિયાનો અનુરોધ
૦૦૦૦૦૦
સાંપ્રત સમયમાં બાળકોને મોબાઇલથી દૂર રાખવા તેમજ વૃધ્ધ મા-બાપની સાર-સંભાળ લેવા સમાજના આગેવાનશ્રી પ્રવિણભાઇ કાછડીઆનો અનુરોધ
૦૦૦૦૦૦
ભરૂચઃ શ્રી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સેવા સમાજ- ભરૂચ આયોજિત તેજસ્વી વિધાર્થી સત્કાર સમારંભ તેમજ ૧૭મી વાર્ષિક સાધારણ સભા આત્મીય ગ્રીન સ્કૂલ – ભરૂચ ખાતે સંસ્થાના પ્રમુખશ્રી અશોકભાઇ વેકરિયાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.
કાર્યક્રમમાં સમાજના આગેવાન અને સંસ્થાના પ્રમુખશ્રી અશોકભાઇ વેકરિયાએ પ્રાસંગિક ઉદબોધનમાં સમાજ ઉત્કર્ષના કાર્યમાં આપણે સહુ ખભે ખભા મિલાવી કામગીરી કરવા પર ભાર મૂકયો હતો. તેમણે ભરૂચ ખાતે સમાજનું પોતાનું એક ભવન બને તેવી અભિલાષા વ્યકત કરી હતી.આ પ્રસંગે સમાજના આગેવાનશ્રી પ્રવિણભાઇ કાછડીઆએ સાંપ્રત સમયમાં બાળકોને મોબાઇલથી દૂર રાખવા તેમજ વૃધ્ધ મા-બાપની સાર-સંભાળ લેવા અનુરોધ કર્યો હતો..
આ વેળાએ સેક્રેટરીશ્રી કુલદીપ વધાસીયાએ ૧૭મી વાર્ષિક સાધારણ સભા કાર્યસૂચિની તેમજ ધો.૧ થી ૧૨ ના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના સમાજના તેજસ્વી તારલાઓને સન્માનની વિગતો આપી હતી.
આ તકે સમાજના વિધાર્થીઓએ વિવિધ વિષયો આધારિત વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના હોદેદારો ઉપપ્રમુખશ્રી જનકભાઇ ધામેલીયા, ખજાનચીશ્રી દિનેશભાઇ ઠુમર, સહમંત્રીશ્રી વિપુલભાઇ ટોકરીયા તેમજ સમાજના આગેવાનો દિલિપભાઇ સાવલીયા, ગાડુંભાઇ પીપળીયા, પરસોત્તમભાઇ પડસાળા, શાંતિભાઇ કથીરીયા તેમજ મંડળના સભ્યો, આગેવાનો, ભાઇ- બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.









