ટંકારા -લખધીરગઢ પ્રા.શાળામાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે, વેસ્ટ પૂઠાના ખોખામાંથી માળાઓ બનાવી ઉજવણી

હર્ષદરાય કંસારા ટંકારા: ટંકારા તાલુકાના શ્રી લખધીરગઢ પ્રાથમિક શાળામાં વિશ્વ ચકલી દિવસ નિમિત્તે, વેસ્ટ પૂઠાના ખોખામાંથી માળાઓ બનાવી ઉજવણી કરવામાં આવેલ.
ચકલી દિવસની ઉજવણી કેમ કરવામાં આવે છે? તે અંગેની સમજ આપવામાં આવી. બાળકો નાનપણથી જ જીવસૃષ્ટિ પ્રત્યે દયાભાવ દાખવે એવા શુભ આશયથી
તેમને ખૂબ ગમતી ચકલી વિશે વાત કરવામાં આવી.
આપણા બાલ સાહિત્યમાં પણ ચકા ચકીની કેવી મજાની બાળવાર્તાઓ અને કેટલા બધાં બાળગીતો છે. ચકીબેન ચકીબેન,,, પાંચ પાંચ ચકલી,,, એક ચકલી ચોખા ખાંડે,, આવો પારેવડા આવોને ચકલા,,, આવા મજાના બાળગીતો બાળકો તો શું મોટેરાઓને પણ ખુશ કરી દે છે; પરંતુ દુઃખની વાત એ છે કે માનવીય પ્રવૃત્તિઓના કારણે આ નિર્દોષ ચકલીઓને બચાવવા અભિયાનો કરવાની, જાગૃતિ લાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. તેની જરૂરિયાત ઓછી હોવા છતાં તેનું અસ્તિત્વ જોખમમાં છે.
મોબાઈલના ઊંચા ટાવર, ઉદ્યોગો, જુના રહેઠાણોની જગ્યાએ બંધાતા આધુનિક મકાનો, માળો બાંધવાની જગ્યાનો અભાવ, રામ કી ચીડિયા રામ કા ખેતની ભાવનાવાળા ખેડૂતોની જગ્યાએ વધુ ઉત્પાદન મેળવવાની લાયમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરતા ખેડૂતો, આવા બધા માનવીય હસ્તક્ષેપના કારણે પર્યાવરણમાં જરૂરી એવા આ પક્ષીઓ ની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળે છે..
જો આપણે ચકલીઓને બચાવવી હશે તો એના માટે માળા, પાણી પીવા કુંડા તેમજ તેને ખોરાક પૂરો પાડવો જોઈએ. બાળકોને આ બાબતથી વાકેફ કરીશું તો આવનારી પેઢી ચકલીઓના ચી. ચી. ને ચોક્કસ માણી શકશે.