
ધર્મના આધારે કોઈપણ ભેદભાવ રાખ્યા વગર હેટ સ્પીચ વિરુદ્ધ પગલાં લેવા સુપ્રીમ કોર્ટે રાજ્યોને સુચન કર્યું હતું. એવી દલીલ કરવામાં આવી હતી કે માત્ર એક ચોક્કસ સમુદાય વિરુદ્ધ હેટ સ્પીચનાના કિસ્સાઓ ધ્યાન પર લાવવામાં આવી રહ્યા છે જ્યારે અન્ય સમુદાયો દ્વારા કરવામાં આવેલી હેટ સ્પીચના મામલાને હાઇલાઇટ કરવામાં આવી રહ્યા નથી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે હેટ સ્પીચ સામેનો તેનો આદેશ બધાને લાગુ પડે છે અને રાજ્યો ધર્મના આધારે કોઈપણ ભેદભાવ રાખ્યા વિના પગલાં લેવા માટે બંધાયેલા છે.
હેટ સ્પીચના એક કેસ અંગે સુનાવણી કરતા ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને એસવી એન ભટ્ટીની બેન્ચે કહ્યું કે, ‘અમે પહેલા પણ સ્પષ્ટ કર્યું છે. ભલે તે એક તરફ હોય કે બીજી તરફ, તમામ સામે સમાન વર્તન કરવું પડશે. ‘હેટ સ્પીચ’ આપનાર વ્યક્તિ સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે. અમે પહેલા પણ આ મુદ્દા પર અમારો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. અમને નથી લાગતું કે તેનું પુનરાવર્તન કરવું જોઈએ.’
સુનાવણી દરમિયાન જ્યારે એક વકીલ દ્વારા કોર્ટના ધ્યાન પર લાવવામાં આવ્યું કે ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગની યુવા પાંખે જુલાઈમાં એક રેલી કાઢી હતી જેમાં તેઓએ હિંદુઓની હત્યાના નારા લગાવ્યા હતા. વકીલે વધુમાં આક્ષેપ કર્યો હતો કે આ કેસમાં અરજદાર કોર્ટને યોગ્ય રીતે મદદ કરી રહ્યા નથી કારણ કે તે આ કોર્ટ સમક્ષ સંપૂર્ણ તથ્યો રાખી રહ્યા નથી.
હેટ સ્પીચનાને “ગંભીર ગુનો” ગણાવતા સુપ્રીમ કોર્ટે એપ્રિલમાં કહ્યું હતું કે હેટ સ્પીચ દેશના બિનસાંપ્રદાયિક માળખાને અસર કરી શકે છે, સુપ્રીમ કોર્ટે એપ્રિલમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસને સૂચના આપી હતી કે તેઓ કોઈ પણ જાતની ઔપચારિક ફરિયાદની રાહ જોયા વિના આવા ભાષણો કરે છે તેમની સામે કેસ નોંધે.






