Rajkot:”રાજયમાં વિજ્ઞાન જાથા રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની શાનદાર ઉજવણી કરશે”રાજયકક્ષાનો કાર્યક્રમ રાજકોટ ખાતે યોજાશે.

“રાજયમાં વિજ્ઞાન જાથા રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની શાનદાર ઉજવણી કરશે”રાજયકક્ષાનો કાર્યક્રમ રાજકોટ ખાતે યોજાશે.
તા. ૨૮ મી ફેબ્રુઆરીએ વિજ્ઞાન રેલી, નિબંધ, વકતૃત્વ, ચિત્ર સ્પર્ધાઓ યોજાશે.
ભારતીય વૈજ્ઞાનિકોની સિધ્ધિઓથી માહિતગાર કરવામાં આવશે.
વિજ્ઞાન અભિગમ-દ્રષ્ટિકોણથી માનવનું કલ્યાણ થશે.
અમદાવાદ: ભારત સરકાર દ્વારા ૨૮ મી ફેબ્રુઆરીએ દેશભરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર અને રાજયના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા અનેકવિધ વિજ્ઞાનલક્ષી કાર્યક્રમો દ્વારા રાષ્ટ્રના ઘડતરમાં વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોનું પ્રદાન સાથે વિજ્ઞાન પ્રચાર-પ્રસાર સાથે અંધશ્રદ્ધા નિવારાણાર્થે કાર્યક્રમોનું આયોજન થાય છે.
ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ બુધવાર તા. ૨૮ મી ફેબ્રુઆરીએ રાજયમાં વિજ્ઞાન રેલી, વકતૃત્વ, નિબંધ, ચિત્ર સહિત લોકચળવળ માટેના કાર્યક્રમો યોજવાના છે. રાજકોટમાં કાલાવડ રોડ ઉપર મામલતદાર કચેરીની પાછળ, ન્યુ પરિમલ સ્કૂલના સહયોગથી વિજ્ઞાન રેલીનું ભવ્ય આયોજન સાથે શહેરમાં વિવિધ સ્પર્ધાઓ દ્વારા આયોજનો નક્કી કરવામાં આવ્યા છે. રાજયકક્ષાનો કાર્યક્રમ રાજકોટ ખાતે યોજાનાર છે.
જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે રાજયમાં છેલ્લા ૩૧ વર્ષથી લોકોમાં વૈજ્ઞાનિક મિજાજ કેળવવા માટે ગામડાઓ, શહેરોમાં કાર્યક્રમો યોજાય છે. જાથા અને તેની ૧૫ શાખાઓની મદદથી અત્યાર સુધી ૧૦૦૩૧ ચમત્કારોથી ચેતો લોકજાગૃતિ કાર્યક્રમો યોજી સામાજિક ચેતનાનું વાસ્તવિક કામ લોકો સમક્ષ મુકયું છે. દેશભરમાં તા. ૨૮ મી એ ડૉ. સી. વી. રામનની “રામન શોધ”, નોબલ પુરસ્કાર, ગૌરવભર્યું સ્થાનના કારણે ઉજવણી થાય છે. ભારતીય વૈજ્ઞાનિકોની સિધ્ધિઓ અને વર્તમાન વિજ્ઞાન ટેકનોલોજીની પ્રગતિ વિગેરે બાબતોની જાણકારી જાથા લોકો સમક્ષ મુકે છે. વિજ્ઞાનના કારણે માનવી સુખી સંપન્ન થયો છે ત્યારે લોકભાગીદારીથી કામગીરી કરવામાં આવે છે.
વધુમાં પંડયા જણાવે છે કે દેશની પ્રગતિ વિજ્ઞાન અભિગમ-દ્રષ્ટિકોણ કાર્યક્રમો અમલમાં મુકવાથી થશે. લોકોમાં વૈજ્ઞાનિક મિજાજ આવશે તો જ અંધશ્રદ્ધા દેશવટો કરશે. જાથા લોકોમાં તર્ક, સંશયનો ઉદ્દભવ થાય તે માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. સફળતા મળી નથી ભવિષ્યમાં સિધ્ધિ પ્રાપ્ત થશે. સરકાર અંધશ્રદ્ધા વિરૂદ્ધ કાયદો બનાવે તેની તાતી જરૂરીયાત છે. સંવિધાનમાં દર્શાવેલી ફરજા પ્રત્યે સજાગતા આવે તે જરૂરી છે. રાજય અને કેન્દ્ર સરકાર, રાજકીય પક્ષો અવૈજ્ઞાનિક કાર્યક્રમો, અંધવિશ્વાસ ફેલાય તેવા આયોજનોથી દૂર રહેવું જોઈએ. ૨૧મી સદી વિજ્ઞાન ટેકનોલોજીનો યુગ હોય તેને અનુસરવું જોઈએ. કોરોના સામે વિજ્ઞાન ઉપલબ્ધીઓ જ કામમાં આવી છે. કોઈપણ દૈવી શક્તિ, ઈલમ કે કહેવાથી ચમત્કારિક શક્તિઓ ખોખલી, બેબુનિયાદ સાબિત થઈ છે તે નજરે સૌએ જોયું છે. ભાવિ પેઢીને ધ્યાનમાં રાખી વિજ્ઞાન શિક્ષણની તાતી જરૂરીયાત છે.વિજ્ઞાન રેલીમાં રાજમાર્ગો ઉપર વિજ્ઞાન આવે અંધશ્રદ્ધા ભાગે, વિજ્ઞાન આવે ભૂત-પલિત ભાગે, ભુત-ભુવા ને ડાકલા ત્રણેય તૂતના નારા-સુત્રોચ્ચારથી લોકોનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરવામાં આવશે. જાથા વાસ્તવિક ફિલ્ડ ઉપર દાયકાઓથી કામ કરે છે. તેથી સરકારી તંત્ર, આગેવાનો, લોકોનો સ્વયંભુ ટેકો મળે છે તેથી હરહંમેશ સફળતા મળે છે.રાજયમાં ૨૮ મી એ વિજ્ઞાન દિનની ઉજવણી જાથા અને તેના શુભેચ્છકોની મદદથી વિજ્ઞાનલક્ષી કાર્યક્રમો સ્થાનિક તેમજ શાળા કક્ષાએ ઉજવણી થનાર છે તેમાં જિલ્લા-તાલુકામાં રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાલનપુર, ખેડા, આણંદ, નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી, વ્યારા, દાહોદ, લુણાવાડા, હિંમતનગર, કચ્છ-ભુજ, અરવલ્લી મોડાસા, ગીર સોમનાથ વેરાવળ, જુનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા ખંભાળીયા, પોરબંદર, પંચમહાલ, રાજપીપળા અને શાખાઓની મદદથી લોકચળવળ ઉભી કરવામાં આવશે.
રાજકોટમાં રાજમાર્ગો ઉપર વિજ્ઞાન રેલી આકર્ષણનું કેન્દ્ર બને તેની તૈયારીમાં ન્યુ પરિમલ સ્કૂલના સંચાલક ચંદ્રકાંતભાઈ મંડીર, બ્રિજેશભાઈ મંડીર, ટ્રસ્ટીઓ, આચાર્યા અલ્પાબેન મંડીર તેમનો સ્ટાફ, જાથાના અંકલેશ ગોહિલ, દિનેશ હુંબલ, નાથાભાઈ પીપળીયા, નિર્મળ મેત્રા, ગુલાબસિંહ ચૌહાણ, હર્ષાબેન પંડયા એડવોકેટ, ભાનુબેન ગોહિલ, ભકિતબેન રાજગોર, પ્રફુલ્લાબેન ચૌહાણ સહિત સ્થાનિક કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.
રાજયમાં પોતાના ગામમાં વિજ્ઞાન દિનની ઉજવણી યોજવા ઈચ્છુકોએ મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક સાધવા કાર્યાલય મંત્રીની યાદીમાં જણાવાયું છે.