NARMADA

ચૈત્રી અમાસના મેળો અને નર્મદા સ્નાનનું અનેરૂ મહત્ત્વ : ગુરુવારે શોભાયાત્રા નીકળશે

વાત્સલ્યમ સમાચાર
કેવડિયા કોલોની
અનીશ ખાન બલુચી

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરના ગોરા ખાતે શુલપાણેશ્વર મહાદેવ મંદિરે શાંતિ પૂર્ણ માહોલમાં ચાલી રહેલો પરંપરાગત મેળો
મેળામાં મહલવા આવતા નાગરિકો અને દર્શનાર્થીઓ માટે ઉભી કરાયેલી સુવિધાઓની સ્થળ-સ્થિતિનું નિરીક્ષણ કરતા SoUADTGA ના CEO શ્રી ઉદિત અગ્રવાલ અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા
ચૈત્રી અમાસના મેળા અને નર્મદા સ્નાનનું અનેરૂ મહત્ત્વ : ગુરુવારે શોભાયાત્રા નીકળશે.

રાજપીપલા, બુધવાર :- ગરૂડેશ્વર તાલુકાના ગોરા ખાતે પુણ્ય સલિલા મા નર્મદા કિનારે આવેલા શુલપાણેશ્વર મહાદેવના મંદિર પરિસર ખાતે યોજાયેલો ત્રિ-દિવસિય મેળો તા.૨૦ એપ્રિલ સુધી ચાલનાર છે. હાલમાં શાંતિપૂર્ણ માહોલમાં મેળો ચાલી રહ્યો છે.
આ મેળામાં ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના શ્રદ્ધાળુઓ દર્શન તેમજ ચૈત્રી અમાસે નર્મદા સ્નાનનું અનેરૂ મહત્વ હોવાથી મોટી સંખ્યામાં ઉમટી પડે છે. શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ નહીં પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર અને SoUADTGA દ્વારા વિવિધ સુવિધાઓ ઉભી કરાઇ છે જેનું આજરોજ SoUADTGA ના મુખ્ય કારોબારી અધિકારીશ્રી ઉદિત અગ્રવાલ અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા દ્વારા મેળા સ્થળ અને મંદિર પરિસરની મુલાકાત કરી સ્થળ – સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

શુલપાણેશ્વર મહાદેવ મંદિરે યોજાતા મેળામાં મ્હાલવા લોકો દૂર દૂરથી આવતા હોય તેમને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા, આરોગ્ય, પાર્કિંગના સ્થળે સાઈનેજીસ, હેલ્પડેસ્ક, મેળાના સ્થળે યોગ્ય સાફ સફાઈ માટે કચરા પેટીની વ્યવસ્થા, મંદિરમાં દર્શનાર્થે એકસાથે ભીડ ન થાય તેનું યોગ્ય નિયમન કરવા તેમજ નર્મદા આરતીમાં સામેલ થનારા ભાવિકોની ચોક્કસ માહિતી ઉપલબ્ધ થાય તે સહિતની વ્યવસ્થાનું નિરીક્ષણ કરી ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ મંદિરના પુજારી સાથે મુલાકાત કરી SoUADTGA ના મુખ્ય કારોબારી અધિકારીશ્રી ઉદિત અગ્રવાલ અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ જરૂરી પૃચ્છા કરી જાણકારી મેળવી કેટલાક રચનાત્મક સૂચનો કર્યા હતા. સાથે બેરિકેટિંગ, આરોગ્ય સુવિધા માટેના સ્ટોલ, પીવાના પાણીની સુવિધા વગેરેનું ઝીણવટ પૂર્વક નિરિક્ષણ કર્યું હતું.

નર્મદા ઘાટ ખાતે સ્નાન અર્થે આવતા શ્રદ્ધાળુઓ ઉંડા પાણીમાં ન જાય તે માટેના બેરિકેટિંગ અને રાત્રિના સમયે યોગ્ય લાઈટીંગ વ્યવસ્થાનું ધ્યાન રાખવા તેમજ ગુરુવારે યોજાનારી શોભાયાત્રામાં મર્યાદિત ભક્તો જોડાય જેથી વ્યવસ્થા જળવાઈ રહે તેવી તાકિદ પણ મંદિરના પૂજારી તેમજ સંચાલકોને કરવામાં આવી હતી.

હાલમાં મેળાના સ્થળે સાવચેતી-સલામતી માટે તરવૈયાઓની ટીમ, અગ્નિશામક યંત્રો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ, સેનિટેશન માટેની સુવિધા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મેળામાં આવતા લોકો શાંતિપૂર્ણ રીતે મેળાને માણે અને મહાલે તેવી વ્યવસ્થા હાલ ગોઠવવામાં આવી છે. મેળામાં આવતા ભાવિકોને પણ સાવધાની એજ સલામતી અભિગમ અપનાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

[wptube id="1252022"]
Back to top button