GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી તાલુકાના રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ

MORBI:ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી તાલુકાના રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ

“સરકાર ખેડૂતોને પાણી, ખાતર ટેકાના ભાવ બજાર વગેરેની સાથે વિવિધ સહાય અને સબસીડી આપે છે”- ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા

ખેડૂતોને રવિ પાક વિશે, શ્રી અન્ન (મિલેટ્સ), પ્રાકૃતિક ખેતી, નવીનતમ ટેકનોલોજી અંગે માહિતી અપાઈ

ખેતી એ આપણી ધરોહર અને આપણી સંસ્કૃતિ; ખેતી આબાદ તો દેશ આબાદ

ખેડૂતોના આર્થિક ઉત્કર્ષ અને તેમને વિવિધ યોજનાઓની માહિતી આપી યોજનાઓના લાભ હેઠળ સાંકળી લેવાના હેતુથી મોરબી જિલ્લામાં ૫ તાલુકા અને એક પિયતના નવા સોર્સ ખાતે એક ૬ જગ્યાઓએ રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલા રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ કાર્યક્રમનો મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાએ શુભારંભ કરાવ્યો હતો.

ખેતી એ આપણી ધરોહર અને આપણી સંસ્કૃતિ છે. ત્યારે રાજયના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ અને ટેકનોલોજી અંગે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર રાજ્યના તમામ તાલુકાઓમાં યોજાયેલા કાર્યક્રમની સમાંતરે મોરબી ખાતે પણ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેઓ ખેડૂતોની આવક ડબલ કરવા માટે પ્રયત્નશીલ છે. આપણે સૌએ એક વાત સ્વીકારવી જ પડશે કે ખેતી આબાદ તો દેશ આબાદ ત્યારે સરકાર દ્વારા ખેતી અને અને ખેડૂતોના કલ્યાણ અર્થે વિવિધ યોજનાઓ થકી કામગીરી કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લામાં ખેડૂતોને સિંચાઈ માટે તમામ કેનાલો રિપેર થાય તે માટે આયોજન કરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં તેનું અમલીકરણ કરવામાં આવશે. સૌની યોજનાની જેમ આપણે મોરબી જિલ્લામાં સૌના તળાવ નામે એક નવી પહેલ કરવા જઈ રહ્યા છીએ. જે હેઠળ પ્રારંભના તબક્કે ૩૫ તળાવોને મચ્છુ -૨ મચ્છુ -૩ સહિતના ડેમો સાથે જોડી સિંચાઈ માટે પાણી પુરૂ પાડવા માટે પ્રયાસો કરવામાં આવશે. સરકાર ખેડૂતોને પાણી, ખાતર ટેકાના ભાવ બજાર વગેરેની સાથે વિવિધ સહાય અને સબસીડી આપે છે. વધુમાં ધારાસભ્યશ્રીએ સારા સ્વાસ્થ્ય માટે આરોગ્યપ્રદ ખેત પ્રણાલી અને ખોરાક પદ્ધતિ અપનાવવા જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને ખેડૂતલક્ષી યોજનાઓની માહિતી મળી રહે ખેડૂતો આ યોજના માટે અરજી કરી લાભ લે તે માટે આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષથી ખેડૂતલક્ષી યોજનાઓની સહાય ડ્રો ના બદલે બજેટ અને ટાર્ગેટ મુજબ તમામને આપવામાં આવે છે તેવું તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે બેસ્ટ આત્મા ફાર્મર ખેડૂત તરીકે ડાંગર લાખાભાઈ તેમજ કણજારિયા હરિભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું તથા રોતાવેટર માટેના લાભાર્થીને પૂર્વ મંજૂરી હુકમ તેમજ ટ્રેકટરના લાભાર્થીને પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩ કાર્યક્રમ અંતર્ગત કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. કૃષિ વૈજ્ઞાનિકશ્રી હેતલબેન મણવર દ્વારા શ્રી અન્ન (મિલેટ્સ) અંગે જ્યારે ડો. અશ્વિનભાઈ દ્વારા FPO ની કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું.ઉપરાંત કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને શ્રી અન્ન (મિલેટ), પ્રાકૃતિક ખેતી, નવીનતમ ટેકનોલોજી અંગે માહિતી આપવામા આવી હતી. આ કાર્યક્રમ અન્વયે બે દિવસ માટે સેવાસેતુ કાર્યક્રમ, પશુ આરોગ્ય કેમ્પ, કૃષિને લગતા સ્ટોલ વગેરેનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડ્યા, સહકારી અગ્રણીશ્રી અને મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રી મગનભાઈ વડાવિયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ દેસાઈ, મોરબી પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર, મોરબી તાલુકા વિકાસ અધિકારીશ્રી પી.એચ. ડાંગર, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વિક્રમસિંહ ચૌહાણ, અગ્રણી સર્વશ્રી જેઠાભાઈ મ્યાત્રા, રાકેશભાઈ કાવર, જીલેશભાઈ કાલરીયા સહિત પદાધિકારીશ્રી/અધિકારીશ્રીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button