RAJKOT- રાજકોટ TRP ગેમ ઝોન આગકાંડમાં છ લોકો સામે ફરિયાદ નોંધાઇ

RAJKOT- રાજકોટ TRP ગેમ ઝોન આગકાંડમાં છ લોકો સામે ફરિયાદ નોંધાઇ
ગેમ ઝોન’માં ઈમરજન્સી એક્ઝીટ ગેઈટ જ ન હતો !
રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં શનિવારે ભીષણ આગની દુર્ઘટના ઘટી હતી. જેમા મૃતઆંક વધીને 32 પર પહોંચ્યો છે. આ કેસમાં હવે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ઘટનાની ગંભીરતા જોતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે સવારે અને ગૃહમંત્રી હર્ષ સંઘવી મોડી રાતે રાજકોટ ખાતે પહોંચીને સ્થિતિની સમીક્ષા કરી હતી. હાલ સિવિલ હોસ્પિટલમાં મૃતદેહના ડીએનએ તપાસ કરીને પરિવારજનોને સોંપવામાં આવશે.
છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો
આ આગકાંડ મામલે તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન સહિત છ આરોપી સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ કેસમાં ipc 304, 308, 337, 338 અને 114 ની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી છે. હવે તાલુકા પોલીસ આરોપીઓની વિધિવત ધરપકડ કરશે.
એસઆઈટીમાં કોણ કોણ સામેલ રાજકોટમાં થયેલી દુર્ઘટનાને કારણે સ્થાનિક સત્તાવાળાઓ, ગેમ ઝોનના માલિકો, જવાબદાર અધિકારીઓથી લઈને ગુજરાત સરકાર સામે સવાલો ઊઠી રહ્યા છે. રાજ્ય સરકારે આ ઘટનાની તપાસ માટે સીઆઈડી ક્રાઇમના અધિક પોલીસ મહાનિદેશક સુભાષ ત્રિવેદીના અધ્યક્ષપદે પાંચ સભ્યોની એસઆઈટીની રચના કરી છે. એસઆઈટીના બીજા ચાર સભ્યો બંછાનિધી પાની, એચ.પી. સંઘવી, જે.એન. ખડિયા અને એમ.બી.દેસાઈ છે.
રાજકોટ TRP ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ સોલંકી અને માનવિજય સિંહ સોલંકી છે, જેમાંથી પોલીસે ઘટના બાદ ફરાર થયેલા યુવરાજની કાલે રાતે જ અટકાયત કરી લીધી હતી. આ ઉપરાંત મેનેજર નિતિન જૈનને પણ દબોચી લેવાયો છે. ગેમ ઝોનનું સંચાલન પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડને સોંપવામાં આવ્યું હતું. આ અગ્નિકાંડ મુદ્દે પોલીસે અત્યાર સુધીમાં 10 લોકોની અટકાયત કરી છે. રાજકોટ અગ્નિકાંડમાં મૃતક પરિવારોને રાજ્ય સરકારે 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ ઉપરાંત આ દુર્ઘટના મામલે સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરીને સમગ્ર ઘટનાની તપાસ સોંપવામાં આવી છે.