Halvad:હળવદ નગરપાલિકાના 100થી વધુ રોજમદાર સફાઈ કામદારો અચોક્કસ મુદ્દતની હળતાળ પર
Halvad:હળવદ નગરપાલિકાના 100થી વધુ રોજમદાર સફાઈ કામદારો અચોક્કસ મુદ્દતની હળતાળ પર વિશાલ જયસ્વાલ હળવદ

હળવદ નગરપાલિકાના 100થી વધુ રોજમદાર સફાઈ કામદારો આજથી અચોક્કસ મુદ્દતના પ્રતીક ઉપવાસ પર બેસી ગયા છે અને સફાઈ કામદારોએ આરોપ લગાવ્યો હતો કે અસ્પૃશ્યતા રાખવામાં આવે છે જેથી કરીને તેમના બે ડ્રાઈવર અને એક વોર્ડ પ્યુનને કોઈપણ જાતની નોટિસ વગર છુટા કરી દીધાં છે. જેના પગલે હળવદ મામલતદાર કચેરીમાં અને પોલીસ મથકે આવેદનપત્ર આપીને પ્રતિક ઉપવાસ શરૂઆત કરી છે.
હળવદ નગરપાલિકામાં સફાઈ કામદારોએ આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે અમારી અગાઉની હડતાલ પછી થોડાક સમયમાં જ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરની બદલી થતાં નવા સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે કૌશિકભાઈ ફરજ પર આવ્યા હતા. ત્યારબાદ સફાઈ કામદાર અને મહિલા કર્મીઓ સાથે ગેરવ્યાજબી વર્તન કરતા અને તેમની સાથે નગરપાલિકા ફાયર ઓફિસર રોહિતભાઈ તપાસ માટે જતા તેવા સમયે મહિલા કર્મચારી સાથે અણછાજતું વર્તન કરતા જેથી વાલ્મિકી સમાજના તમામ આગેવાનો સેનીટેશન શાખામાં રજૂઆત કરવા ગયા હતા અને જે બાબતનો ખાર રાખી નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરતા ત્રણ સફાઈ કામદારોને છુટા કરેલ છે. નગરપાલિકાના જવાબદાર અધિકારી દ્વારા સામાજિક અસ્પૃશ્યતાને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. જેથી કરીને રોજમદાર સફાઈ કામદારોને છુટા કરી દીધાં છે. જો પુરા સન્માનથી ફરજ પર લેવામાં આવે તેવી માંગ સાથે અચોક્કસ મુદતના પ્રતિક ઉપવાસ પર નગરપાલિકા કચેરી ખાતે જ બેસી ગયા હતા. હળવદ વાલ્મીકિ સમાજના સફાઈ કામદારોએ હળવદ પોલીસ મથકે અને હળવદ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપીને પોતાની રજૂઆત કરી હતી. જ્યારે આ અંગે ચીફ ઓફિસર તુષાર ઝાલોરીયાએ જણાવ્યું હતું કે બે ગેરજવાબદાર ડ્રાઈવરોને છુટા કરવામાં આવ્યા છે જેના પ્રત્યાઘાત સ્વરૂપે તમામ વાલ્મિકી સમાજનાં સફાઈ કામદારો પ્રતીક ઉપવાસ પર બેઠાં છે જોકે અસ્પૃશ્યતા જેવો કોઈ બનાવ નથી.

નગરપાલિકાના અધિકારીઓની મામલતદારને રજૂઆત
હળવદ નગરપાલિકાના હંગામી કર્મચારી (વોર્ડ પ્યુન) સાવન મારુડા દ્વારા સેનેટરી ઇન્સ્પેકટર કૌશિક મોકાણા, ફાયર ઓફિસર રોહિત મહેતા સામે બીભસ્ત ભાષામાં ગાળાગાળી કરી ફરજમાં રુકાવટ કરી તેમજ સીટી મેનેજર (SWM) કિશન મંડલીને પાણી પુરવઠા શાખાના કર્મચારીનું માથું ફોડી નાખવાની ટેલિફોનિક ધમકી આપતા ચીફ ઓફિસર તુષાર ઝાલરીયા દ્વારા સાવન મારૂડાને તાત્કાલિક અસરથી ફરજમાંથી છુટા કરેલ જેના પ્રત્યાઘાત સ્વરૂપે તમામ રોજમદાર સફાઈ કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ગયેલ છે. તેમજ ફરજમાં રૂકાવટ કરવા અસ્પૃશ્યતાને પ્રોત્સાહન આપવાનો પાયાવિહોણો આરોપ લગાવેલ હતો જેના અનુસંધાને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી.








