
વંથલી ખાતે જિલ્લા સમાહર્તાશ્રી અનિલકુમાર રાણાવસિયા અને મહાનુભાવોએ રથને પ્રસ્થાન કરાવ્યો
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાને જિલ્લા કલેકટરશ્રી અનિલ રાણાવસીયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિરાંત પરીખ, સાવજ ડેરીનાં ચેરમેન દિનેશભાઇ ખટારીયા, જિલ્લા પંચાયત પ્રમુખ મુકેશભાઇ કણસાગરા, તાલુકા અને જિલ્લા પંચાયતનાં સભ્યો અને વંથલી અને કેશોદ તાલુકાનાં ગામડામાંથી પધારેલ સરપંચઓની ઉપસ્થિતીમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો.
સરકારી યોજનાઓનો છેવાડાનાં અંત્યોદય પરિવાર સુધી લાભ પહોંચે અને કોઈ લાભાર્થી છૂટી ન જાય એ સંકલ્પ સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતેથી પ્રારંભ થયો છે, આ રથયાત્રાને પ્રસ્થાન કરાવતા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવ્યાપી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. જે અંતર્ગત યોજનાકીય માહિતી સાથે તૈયાર કરવામાં આવેલ આધુનિક વિકસીત ભારત સંકલ્પ રથ ગામે-ગામ ભ્રમણ કરશે.
સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી ગ્રામજનો સુધી પહોંચે અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ ગ્રામજનો મેળવે આવા ઉમદા ઉદ્દેશ્યો સાથે આ રથ ગ્રામ્ય વિસ્તારમાં પરિભ્રમણ કરનાર છે. ગામે-ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સ્વાગત થશે. વિકસિત ભારતના સંકલ્પ લેવડાવવામાં આવશે અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આયોજનનો મુખ્ય ઉદ્દેશ છેવાડાના માનવી કે જે વિવિધ યોજનાઓનો લાભ લેવા પાત્ર છે. પરંતુ લાભો મળ્યા નથી તેમના સુધી પહોંચવાનો છે, ઉપરાંત યોજનાઓની માહિતીનો પ્રચાર પ્રસાર કરી નાગરિક નાગરિકોમાં જાગૃતિ લાવવા સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરી તેમના અનુભવ જાણવા તેમજ યાત્રા દરમિયાન નિશ્ચિત વિગતો દ્વારા સંભવિત લાભાર્થીઓની નોંધણી કરાવી તેમને પણ સરકારી યોજનાઓનો લાભ અપાવી ૧૦૦ ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના ઉદ્દેશ્ય સાથે આ યાત્રા યોજાઇ રહી છે.
જનસેવાના ઉદ્દેશો સાથે યોજાનાર વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભો પાત્રતા ધરાવતા નાગરિકોને આપવામાં આવશે. યાત્રા દરમિયાન પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ આવરી લેવાના આયોજન સાથે યોજનાનો ૧૦૦ લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે ગામડાઓમાં સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. વિકસિત ભારત સંકલ્પ
રથયાત્રા દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, દિનદયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્વલા યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન નીધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન, જલજીવન મિશન, સ્વામિત્વ યોજના, જન ધન યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક કૃષિ અને રાસાયણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની સત્તર યોજનાઓને આવરી લેવામાં આવી છે.
સહકારી અગ્રણી અને સાવજ ડેરીનાં ચેરમેન દિનેશભાઇ ખટારીયાએ વિકસીત ભારત સંકલ્પ યાત્ર દરમ્યાન સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની જાણકારી મેળવી મળવાપાત્ર યોજનાઓનાં લાભ મેળવવા લોકોને જણાવ્યુ હતુ.





