રાજ્યમાં ઉત્તમ પરિણામ સાથે વિદ્યાનગર તરીકે ઉભરી રહ્યું છે મોરબી
આ વર્ષે મોરબી જિલ્લાએ રાજ્યમાં ૧૨ સાયન્સના પરિણામમાં પ્રથમ, ધોરણ ૧૦ માં દ્વિતીય અને ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં તૃતીય ક્રમ મેળવ્યો
સિરામીક ઉદ્યોગમાં સમગ્ર વિશ્વમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરી મોરબી ઔદ્યોગિક નગરી તરીકે તો ઓળખાય જ છે. પણ હવે બોર્ડની પરીક્ષાઓમાં નોંધપાત્ર પરિણામ લાવી રાજ્યમાં વિદ્યાનગરી તરીકે પણ ઉભરી રહ્યું છે. ધોરણ ૧૨ સાયન્સ ,૧૦અને ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામમાં અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવી મોરબી જિલ્લાએ આ વર્ષે રાજ્યમાં આગેકૂચ કરી છે. તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામમાં જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી નિલેશ રાણીપા તથા સમગ્ર જિલ્લા શિક્ષણ જગત, વિદ્યાર્થિઓ તથા તેમના વાલીઓ, શિક્ષકો અને જિલ્લાના અધિકારીઓની જિલ્લાના શિક્ષણનું સ્તર સુધારવાના સહિયારા પ્રયત્નો દેખાય છે.








