
મોરબીનું ખાનપર ગામ બન્યું વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી
આત્મનિર્ભર ભારત, આયુષમાન ભારત વગેરે અભિગમ થકી ભારત વિકસિત બની રહ્યું છે
ગ્રામજનોએ ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેના સંકલ્પ લીઘા
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રત્યેક વ્યક્તિ સુધી સરકારના યોજનાકિય લાભો પહોંચાડીને જન જનની સુખાકારી થકી વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવાના ઉદ્દેશ્યથી સમગ્ર દેશની સાથે ગુજરાત રાજયમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અનવ્યે મોરબીના ખાનપર ગામે રથનું આગમન થતાં ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ગામમાં ઉત્સાહભેર રથને આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિકાસની યાત્રા અવિરત ચાલુ છે, સરકારનો ધ્યેય ફક્ત યોજના બનાવવાનો નથી પરંતુ આ યોજનાઓ જન જન સુધી પહોંચાડવાનો છે જે આ યાત્રા સાર્થક કરી રહી છે.
આ કાર્યક્રમ અન્વયે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી, સોઈલ હેલ્થ કાર્ડ સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલ વિવિધ સહાયની ગાથા રજૂ કરી હતી. આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને કીટ સહિત વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી. ઉપરાંત મહાનુભાવોનાં હસ્તે ખાનપર ગ્રામ પંચાયતમાં સો ટકા નલ સે જલ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ ગ્રામ પંચાયતને પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકર્ડ કરેલો સંદેશો સાંભળી ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતી પ્રદર્શન ફિલ્મ નિહાળી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયાં હતાં.
કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસનો સ્ટોલ, પશુપાલન તેમજ લીડ બેંક વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. શાળાના બાળકો દ્વારા ધરતી કહે પુકાર કે નાટય ગીત, પ્રકૃતિ સંરક્ષણ અંગેના નાટક તેમજ આંગણવાડીના બાળકો દ્વારા બાળગીત સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી જી.ટી. પંડ્યા, મોરબી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અશોકભાઈ દેસાઈ, મોરબી તાલુકા વિકાસ અધિકારીશ્રી પીઠાભાઈ ડાંગર, મહિલા અને બાળ વિભાગના દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી નિલેશ્વરીબા ગોહિલ, મોરબી જિલ્લા પંચાયતના સભ્યશ્રી જયંતીભાઈ પડસુંબિયા, અગ્રણીશ્રી વસંતભાઈ માંડવીયા, અરવિંદભાઈ વાંસદડિયા, જયોતિસિંહ જાડેજા, ગામના આગેવાનો અને ગ્રામજનો, સરકારી વિભાગના અધિકારી/કર્મચારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.








