
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ડાંગ જિલ્લાની પ્રતિષ્ઠિત દીપદર્શન શાળામાં 5 વર્ષીય માસૂમ બાળકને નિર્દયી માર મારવાની ઘટના શાળામાં જ ઘટી હોવાનું તપાસકર્તા અધિકારીએ તપાસ રિપોર્ટમાં ઘટસ્ફોટ કર્યો….
ડાંગ જિલ્લાનાં વહીવટીમથક આહવા ખાતે આવેલ પ્રતિષ્ઠિત દીપદર્શન શાળાનાં સંચાલકો શાળાની આબરૂ અને પ્રતિષ્ઠા બચાવવા માટે આ ઘટનાને સ્વીકારવા માટે હજુ પણ તૈયાર ન થઈ એક બીજા ઉપર ખો પર ખો આપતા વિજિલન્સ તપાસની માંગ ઉઠવા પામી છે.. પ્રાપ્ત વિગતો અનુસાર થોડા દિવસ પૂર્વે ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવા ખાતે આવેલ વર્ષો જૂની અને પ્રતિષ્ઠિત દીપદર્શન ઈંગ્લીશ મીડીયમનાં જુનિયર કેજીનાં 5 વર્ષીય બાળકને શાળાનાં શિક્ષિકા દ્વારા ઢોર માર મારી શરીરે લાલ લીસોટા પાડી દેતા શિક્ષણ આલમમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.દીપદર્શન શાળામાં ઈંગ્લીશ મીડીયમમાં અભ્યાસ કરતો માસૂમ બાળક નામે સમર્થકુમાર અરૂણભાઈ સોનવણે ઉ.5 રે.આહવાને શાળાનાં શિક્ષિકા દ્વારા ઢોર માર મારી ધીબી નાખવાની ઘટનાનાં ફોટા જે તે સમયે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થતા રાજ્યમાં ચકચાર મચી જવા પામી હતી. માસૂમ બાળકને નિર્દયી માર મારવાની ઘટનાને લઈને ઘેરા પ્રત્યાઘાતો પડતા વહીવટી તંત્રની ટીમ હરકતમાં આવી હતી. ડાંગ જિલ્લાની દીપદર્શન શાળામાં માસૂમ બાળકને નિર્દયી માર મારવાની ઘટના સામે આવતાની સાથે જ શાળાનાં સંચાલકો અને મોટા ગજાનાં માથાઓ આ સમગ્ર પ્રકરણને દબાવવા માટેનું એડી ચોંટીનું જોર પણ લગાવ્યુ છે. હજુ પણ દીપદર્શન શાળાનાં રીઢા બનેલ સંચાલકો આ ઘટનાને સ્વીકારવા તૈયાર નથી. આ ઘટનાને એક અઠવાડિયુ જેટલો સમય વીતી જવા છતાંય દીપદર્શન શાળાનાં તુંડમિજાજી સંચાલકો અને આચાર્ય દ્વારા જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અને આ સમગ્ર પ્રકરણ અંગે ઢાંક પીછોડો કરવાની તજવીજ પણ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. આ સમગ્ર ઘટનાક્રમ મુદ્દે ડાંગ જિલ્લા કલેકટર મહેશભાઈ પટેલ અને ડાંગ જિલ્લા વિકાસ અધિકારી આર.એમ.ડામોરે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રભાઈ ઠાકરે અને બાળ સુરક્ષા અધિકારી ચિરાગભાઈની ટીમોને તપાસનાં આદેશો કરતા શિક્ષણ વિભાગ સહિત ડાંગ બાળ સુરક્ષા એકમની ટીમે દીપદર્શનનાં શાળા સંચાલકો,આચાર્ય,શિક્ષિકા, ટયુશન શિક્ષિકા,બાળક,વાલી અને જુનિયર કેજીનાં અન્ય વિદ્યાર્થીઓનાં નિવેદનો નોંધી કાઉન્સિલિંગ કરી તપાસ હાથ ધરી હતી.સાથે તપાસકર્તા અધિકારીઓએ શાળામાં લગાવેલ સી.સી.ટી.વી ફૂટેજ પણ કબજે કરી સઘન તપાસ હાથ ધરી હતી.પરંતુ અધિકારીઓનાં જણાવ્યા મુજબ સી.સી.ટીવી ફૂટેજ પણ એટલા ઝાંકા હોય જેમાં કઈ પણ દેખાતુ નથી.ડાંગ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની ટીમે આ સમગ્ર ઘટનાક્રમની ઝીણવટભરી તપાસ કરતા માસૂમ બાળકને નિર્દયી માર મારવાની ઘટના શાળાનાં કેમ્પસમાં ઘટી હોવાનું જણાઈ આવે છે નો પ્રાથમિક રિપોર્ટ આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.ડાંગ જિલ્લાનાં સરકારી વિભાગનાં તપાસકર્તા અધિકારીઓનાં તપાસ રિપોર્ટમાં માસૂમ બાળકને મારવાની ઘટના શાળા કક્ષાએ બની હોવાનો ઘટસ્ફોટ કર્યો હોવા છતાંય દીપદર્શન શાળાનાં સંચાલકો આ સમગ્ર બનાવનાં મુદ્દે મગનું નામ મરી પાડવા તૈયાર દેખાતા નથી. આ બનાવ બાબતે આહવાનાં દીપદર્શન શાળાનાં સંચાલકો અને આચાર્ય હાલમાં જવાબદારીમાંથી છટકી મારી હજુ પણ દોષનો ટોપલો બીજાનાં માથે ઢોળવાનો પ્રયત્ન કરતા ભોગ બનનાર બાળક અને વાલીને ન્યાય મળશે કે કેમ તે અંગે પણ પ્રશ્નાર્થ સેવાઈ રહયા છે.આ બનાવનાં મુદ્દે વિજિલન્સ તપાસ થાય તેવી પણ માંગ ઉઠી છે.ત્યારે માસૂમ બાળકને નિર્દયી રીતે માર મારવાની ઘટનામાં જવાબદાર દીપદર્શન શાળાનાં સંચાલકો અને આચાર્ય સહિત શિક્ષિકા સામે ડાંગ વહીવટી તંત્ર કેવા પગલા ભરશે તે જોવુ રહ્યું– –——————–બોક્ષ:-(1)નરેન્દ્રભાઈ ઠાકરે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડાંગ.આ બાબતે ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નરેન્દ્રભાઈ ઠાકરેએ જણાવ્યુ હતુ કે દીપદર્શન શાળા આહવામાં ઈંગ્લીશ મીડીયમનાં જુનિયર કેજીનાં માસૂમ બાળકને શિક્ષિકા દ્વારા ઢોર માર મારવાની ઘટના અંગે જિલ્લા વહીવટીતંત્રનાં માર્ગદર્શન હેઠળ અમારી તથા બાળ સુરક્ષા અધિકારીની ટીમે ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરી હતી.આ કેસ માસૂમ બાળકને લગતો ગંભીર હોય જેથી બાળ સુરક્ષા અધિકારી દ્વારા તમામનાં નિવેદનો નોંધી તપાસ પૂર્ણ કરી છે.જેમાં બાળસુરક્ષા અધિકારીની તપાસમાં માસૂમ બાળકને નિર્દયી રીતે માર મારવાની ઘટના શાળામાં ઘટી હોવાનું જણાઈ આવેલ છે.જે સંદર્ભે અમોએ દીપદર્શન શાળાનાં સંચાલકોને પત્ર લખી શાળા કક્ષાએથી કેવા પગલા ભરાયા છે.જે અંગેનો બે દિવસમાં ખુલાસો માંગ્યો હતો.પરંતુ સંચાલકોએ હજુ સુધી અમોને ખુલાસો મોકલેલ નથી..





