Navsari:રિસીવીંગ અને ડિસ્પેચીંગ સેન્ટરથી ચૂંટણી સામગ્રી લઇ ચૂંટણી સ્ટાફ બુથ ઉપર જવા રવાના
નવસારી જિલ્લામાં ચૂંટણી કામગીરી માટે ૨૪૪ પ્રાઈવેટ અને ૧૦૦ સરકારી વાહનો ફાળવાયા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
ગુજરાત લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે નવસારી જિલ્લાના ૧૧૧૬ બુથ પર આજે તા.૦૭મી મેના રોજ હાથ ધરાનારી મતદાન પ્રક્રિયા માટે ૧૪૨ ટ્રાન્સપોર્ટ રૂટ નકકી કરવામાં આવ્યા છે. જે માટે ૩૪૪ વાહનોની ફાળવણી કરાઈ હતી. આ સાથે ૧૩૭ સેક્ટર ઓફિસરોની પણ નિમણૂક કરાઈ છે.
નવસારી જિલ્લામાં ચૂંટણી કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓને ફાળવાયેલા બુથ સુધી પહોંચાડવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એસ.ટી બસ અને અન્ય ખાનગી વાહનોની ફાળવણી કરવામાં આવી છે. આ વાહનો દ્વારા જે તે વિધાનસભા ક્ષેત્રના રિસીવીંગ અને ડિસ્પેચીંગ સેન્ટર ખાતેથી સ્ટાફને બુથ પર પહોંચડવાની મહત્વની કામગીરી હાથ ધરાઈ હતી.
જિલ્લાની ચાર બેઠક માટે કુલ ૫૮ એસટી બસ, ૧૦૦ પ્રાઈવેટ બસ, ૧૭૬ કાર/જીપ, ૧૦ ટ્રક અને ટેમ્પો મળી કુલ ૩૪૪ વાહનો ચૂંટણી કામગીરીમાં જોડાયા છે. જેમાં સૌથી વધુ ૩૯ એસટી બસ ૧૭૭-વાંસદા બેઠક પર ફાળવાઈ છે.



