MORBI:મોરબી મહાનગરપાલિકા ની જાહેરાત થઈ મોરબી વાસીઓમાં આનંદની લહેર જોવા મળી રહી છે

મોરબી મહાનગરપાલિકા ની જાહેરાત થઈ મોરબી વાસીઓમાં આનંદની લહેર જોવા મળી રહી છે
મોરબી : ગુજરાત સરકારે આગામી વર્ષ 2024-25ના બજેટમાં મોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો આપવા જાહેરાત કરતા મોરબીમાં દિવાળી જેવા માહોલ વચ્ચે લોકોમાં ખુશીની લહેર દોડી ઉઠી છે ત્યારે શાસક પક્ષ તો ઠીક મોરબીમાં વિપક્ષ કોંગ્રેસે પણ ગુજરાત સરકારની આ જાહેરાતને હરખે વધાવી અભિનંદન પાઠવ્યા છે. મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત બાદ સાંસદ મોહનભાઇ કુંડારીયા, પૂર્વ રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, દુર્લભજી દેથારિયા, પૂર્વ જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારા તેમજ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલે પણ ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા છે. સાથે જ સીરામીક ઇન્ડસ્ટ્રીઝના હોદેદારોએ જેમ મોરબીએ સિરામિકમાં વિશ્વમાં નામના મેળવી છે તે જ રીતે મહાનગર બન્યા બાદ સુનિયોજિત વિકાસ સાથે મોરબી વિશ્વમાં શ્રેષ્ઠ શહેર બનશે તેવી આશા વ્યક્ત કરી છે.
આજે રાજ્યના નાણામંત્રી કનુભાઈ પટેલે રજૂ કરેલા વર્ષ 2024 -2025ના બજેટમાં મોરબી સહીત રાજ્યની સાત નગર પાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપવા જાહેરાત કરતા મોરબીના વતની રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ સંયુક્ત નિવેદનમાં તેઓએ કરેલી રજુઆત સરકારે હકારત્મક અભિગમ સાથે સ્વીકારી હોવાનું જણાવી મુખ્યમંત્રીનો આભાર માની આવનાર દિવસોમાં મોરબી વિકસિત નગરી બનશે તેવી આશા વ્યક્ત કરી હતી, એ જ રીતે મોરબી – માળિયાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, પૂર્વ જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારા સહિતનાઓએ પણ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.








