MALIYA (Miyana):માળિયા તાલુકા અનુ.જાતિ ખેત સમુદાય મંડળીના પ્રમુખ દ્વારા ગેરકાયદેસર જમીન ફાળવવા મુદ્દે ચાલતા આંદોલનનો અંત

માળિયા તાલુકા અનુ.જાતિ ખેત સમુદાય મંડળીના પ્રમુખ દ્વારા ગેરકાયદેસર જમીન ફાળવવા મુદ્દે ચાલતા આંદોલનનો અંત
પ્રભારી સચિવ મનિષ ચંદ્રાએ આંદોલનકારીઓને સાંભળી કડક પગલા ભરવા ખાત્રી આપી

મોરબી જિલ્લાના માળિયા (મિં) તાલુકા અનુ.જાતિ ખેત સમુદાય મંડળીમાં મંડળીના પ્રમુખ દેવાભાઈ પુંજાભાઈ દ્વારા મંડળીના જુના સભ્યોના નામો રદ કરી નાખી તાલુકા બહારના તેના મળતીયાઓના નામ દાખલ કરી ગેરકાયદેસર જમીન ફાળવવામાં આવેલ હોવાથી આ બાબતે છેલ્લા 3 થી 4 વર્ષ સુધી મંડળીના સભ્યોએ લડત આપી હતી. અંતે કોઈપણ પરિણામ ન મળતા મોરબી જીલ્લા કલેક્ટર કચેરી ખાતે 26 દિવસથી ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા હતા.
ત્યારે આજે મોરબી જિલ્લા પ્રભારી મનિષાબેન ચંદ્રા મોરબી જીલ્લાની મુલાકાતે પધારેલા તે સમયે મોરબી જીલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યા, જીલ્લા વિકાસ વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા, અધિક કલેક્ટર ખાચર સાહેબ, મામલતદાર મહેતા સાહેબ તથા દલિત સમાજના આગેવાન રાજેશભાઈ ચૌહાણ, મુળજીભાઈ સોલંકી, કિશોરભાઈ સહિતનાની ઉપસ્થિતમાં મનિષાબેન ચંદ્રાએ આંદોલનકારીઓને શાંતિથી સાંભળ્યા હતા.
સાથે જ મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનિષાબેન ચંદ્રાએ આ બાબતે જવાબદારો સામે કડક પગલા ભરવા અને મંડળીના સભ્યોને પુન: દાખલ કરી યોગ્ય કાર્યવાહી કરવા અંગે આંદોલનકારી તથા દલિત સમાજના આગેવાનોને ખાત્રી આપી હતી. જેથી મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાના હસ્તે આંદોલનકારીઓને પારણા કરાવવામાં આવ્યા હતા. સાથે જ મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નો બાબતે પણ મોરબી જિલ્લા પ્રભારી મનિષાબેન ચંદ્રાએ દલિત સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી હકારાત્મક ઉકેલ લાવવા અંગે ખાત્રી આપી હતી.








