
તા.૧૩ એપ્રિલ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
સાઇબર ક્રાઈમ-આ શબ્દ હવે કોઈ પણ વ્યક્તિ માટે નવો નથી પરંતુ રોજ નવા નુસખા સાથે સાઇબર ક્રાઇમ આચરતા ગુનેગારોને ઓળખવા પણ એટલા જ અઘરા છે. ફેક આઈ.ડી, ફેક કોમર્શિયલ એકાઉન્ટ, ક્યારેક વર્ક ફોર્મ હોમના નામે તો ક્યારેક કોઈ જાણીતી કોમર્શિયલ વેબસાઈટના કસ્ટમર કેર આસીસ્ટન્ટ તરીકે કોઈકને કોઈક વ્યક્તિ તેનો ભોગ બનતી જ રહે છે. રાજ્ય સરકાર દ્વારા સાઇબર ક્રાઇમ અટકાયત અને તેના ગુનાઓમાં ઝડપી ગુનેગારોને પકડી શકાય તે માટે સમયાંતરે પોલીસ દ્વારા સાઇબર એક્સપર્ટ સાથે કામગીરી કરવામાં આવે છે અને ભોગ બનનાર લોકોને તેમની રકમ તથા વસ્તુ પરત અપાવવામાં રાજકોટ સાયબર ક્રાઈમ કચેરીને મોટી સફળતા મળી છે.
રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા રાજકોટના સાયબર ક્રાઇમ ફ્રોડના ભોગ બનનાર નાગરિકો દ્વારા કરવામાં આવેલ ફરીયાદની ઉંડાણપૂર્વક તપાસ કરી તેઓને સંપુર્ણ રકમ પરત અપાવવા માટે સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જે અંગે ક્રાઇમ વિભાગના નાયબ પોલીસ કમિશનર ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષ દરમ્યાનમાં રાજકોટમાં સાયબર ક્રાઇમની કુલ ૧,૩૮૮ ફરીયાદો આવી હતી, જેમાં સાયબર પોલીમ સ્ટેશન, રાજકોટ શહેર દ્વારા તપાસ કરી રૂ. ૧ કરોડ ૧૪ લાખ ૧૫ ૭૪૪ જેટલી રકમ અરજદારોને પરત અપાવવામા આવી છે. તથા અરજદારો દ્વારા ૧૯૩૦ સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર થકી કરવામાં આવતી ઓનલાઇન ફરીયાદોમાં સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ ગાંધીનગર દ્વારા અરજદારના નાણાં તાત્કાલીક એકશન લઇ ફ્રીઝ કરવામાં આવે છે. આ ફ્રીઝ થયેલ નાણાં અરજદારને પરત અપાવવા માટે નામદાર કોર્ટમાં અરજી કરી નામદાર કોર્ટના હુકમ દ્વારા રકમ ૨૫,૮૨,૦૫૮૮ રૂ.અપાવી કુલ ૧ કરોડ ૩૯ લાખ ૯૭ હજાર ૧૦૨ રાજકોટના અરજદારોને પરત કરાવ્યા છે તથા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટેકનીકલ ટીમ દ્વારા ટેકનીકલ એનાલીસીસ કરી કુલ ૮૫૨ ખોવાયેલ મોબાઇલ રીકવર કરી ખરાઇ કરી અરજદારોને પરત અપાવવામાં આવેલ છે.
સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેરના મદદનીશ પોલીસ કમિશનર શ્રી વિશાલ રબારી તથા પોલીસ ઇન્સપેક્ટર જે. બી. ડોડીયા અને કે.જે. મકવાણા દ્રારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે નાણાંકીય ફ્રોડ અને સોશિયલ મીડીયા થકી થતા ફ્રોડની ફરીયાદોના નિવારણ માટે અલગ અલગ નાણાંકીય ફ્રોડ ડિટેક્શન તથા સોશ્યમ મીડીયા મોનીટરીંગ ટીમો બનાવી બનેલ ગુનાઓ ડીટેકટ કરવા માટે અલગ અલગ ટેક્નીકલ એનાલીસીસ તથા સાયબર એકસ્પર્ટની મદદ દ્વારા આરોપીના મુળ સુધી પહોંચી તેમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી અરજદાર દ્વારા ગુમાવેલ રકમ પરત અપાવવામાં આવે છે.
આજ દિન સુધી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન રાજકોટ શહેર ખાતે કુલ ૪૦થી વધુ ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. જેમાં કુલ ૫૫ આરોપીઓ અંગે અલગ અલગ રાજ્યો તપાસમાં કરી પકડીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
સાયબર ક્રાઇમ ફોડના બનતા બનાવો અટકાવવા માટે રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા એક વર્ષના સમયગાળા દરમ્યાન કુલ ૪૩ જેટલા સાયબર ક્રાઇમ અવેરનેશના કાર્યક્રમ અલગ અલગ સ્કુલ, કોલેજ, સંસ્થા તથા કંપનીઓ ખાતે કરવામાં આવેલ છે.
સાઇબર ક્રાઇમના મુખ્ય પ્રકારો સામાન્ય રીતે સાઇબર ક્રાઇમના મુખ્ય ત્રણ પ્રકાર છે.
(૧) સામાજિક,(૨) આર્થિક અને (૩) બિન આર્થિક. જેમાં સામાજિક પ્રકારના સાયબર ક્રાઇમમાં ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક વગેરે સોશિયલ મીડિયા પર ફેક આઈ.ડી. બનાવી બ્લેકમેઇલ કરવા, ફોટા મોર્ફ કરી કોઈ વ્યક્તિનું નામ વાપરી તેની સામાજિક શાખને દાગ લગાવવો જેવા ગુનાઓનો સમાવેશ થાય છે. તો આર્થિક ગુનાઓમાં ઇન્વેસ્ટમેન્ટ, વર્ક ફ્રોમ હોમ, ક્રેડિટ અને ડેબિટ કાર્ડને લગત, બિલ ભરવાની બાબતોને લગત, વેપારીના જી.એસ.ટી. પેઢીનું નામ વાપરીને ફ્રોડ, કોમર્શિયલ વેબસાઈટ પર કસ્ટમર કેર તરીકેના ફ્રોડ જેવા પેટા પ્રકારનો સમાવેશ થાય છે. બિનઆર્થિક બાબતોમાં ઓનલાઈન ચલણ ભરવા, મેટ્રીમોનીયલ સાઇટ, કોઈ અજાણી સાઇટ લાઈક કરી કે તેને શેર કરીને મળતી ગિફ્ટ જેવા ફ્રોડ આચરવામાં આવે છે.
આ અંગે રાજકોટની જનતાને નાયબ પોલીસ કમિશનરશ્રી ગોહિલ દ્વારા અપીલ કરવામાં આવે છે કે, કોઇ પણ અજાણ્યા વ્યક્તિ દ્વારા મેસેજ, ઇ-મેલ મારફતે મોકલવામાં આવતી કોઇ પણ પ્રકારની લીંક ઓપન કરવી નહી તથા લોભામણી જાહેરાતોમાં ફસાવવું નહીં અને કોઇ નાણાંકીય વ્યવહાર કરવો નહી. અજાણી વ્યક્તિઓ તથા સાયબર ભેજાબાજોને પોતાના ઓ.ટી.પી, પીન, સી.વી.વી. આપવા નહી તથા એનીડેસ્ક, કવીક સપોર્ટ, ટીમ વ્યુઅર જેવી એપ્લીકેશન ડાઉનલોડ કરવી નહી તેમજ સાયબર ભેજાબાજોને એપ્લીકેશનનું એકસેસ આપવુ નહી. અન્ય એમ.ઓ. જેમ કે ઇલેકટ્રીકસીટી બીલ ભરેલ નથી, ક્રેડીટ કાર્ડ ચાલુ કરવા માટે, કે.વાય.સી અપડેટ માટે, ઇન્સ્ટન્ટ લોન મેળવવા, બ્લેકમેઇલીંગ વોટસએપ વિડીયો કોર્લીંગ, ઓનલાઇન પ્લેટફોર્મ પર આર્મીમેનના નામે થતા ફ્રોડ વગેરે એમ.ઓ. વાળા સાયબર ભેજાબાજો તથા અજાણ્યા વ્યક્તિઓની લાલચમાં આવવું નહી અને કોઇ પણ પ્રકારના નાણાંકીય વ્યવહાર કરવા નહીં. સાથે જ સાયબર ક્રાઇમના ભોગ બનેલા લોકોએ તાત્કાલીક સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ માં કોલ કરી ફરીયાદ નોંધાવવી જેથી અરજદારની રકમ ફ્રીજ કરી રકમ પરત મેળવવામાં સરળતા રહે છે.