નવસારી જિલ્લા પંચાયત સભાખંડમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
મહિલાઓ આર્થિક, સામાજીક અને શૈક્ષણિક ક્ષેત્રે વિકાસ સાધી સશક્ત બને તે માટે સરકાર સતત કાર્યરત છે – જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઇ આહિર
નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહિરના હસ્તે સ્વસહાય જૂથોની બહેનોને ધિરાણના ચેકોનું વિતરણ કરાયું
ફેબ્રુઆરી માસના કેશ ક્રેડિટ કેમ્પ કાર્યક્રમ અંતર્ગત
જિલ્લાના ૫૦ સખી મંડળોને રૂા.૬૦ લાખની સહાય અપાઇ
ગ્રામ્ય વિસ્તારની ગરીબ મહિલાઓને સંગઠિત કરી તેઓ આર્થિક, સામાજીક, કૌટુંબિક, શૈક્ષણિક તેમજ આરોગ્ય વિષયક ક્ષેત્રમાં વિકાસ તરફ આગળ વધે તે હેતુને ધ્યાનમાં રાખી દીનદયાળ ઉપાધ્યાય અંત્યોદય યોજના અન્વયે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત નવસારીના જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઇ આહીરના અધ્યક્ષસ્થાને જિલ્લા પંચાયત ભવનના સભાખંડ ખાતે કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો હતો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઇ આહીરે જણાવ્યું હતું કે,”મહિલાઓ આત્મનિર્ભર બને અને તેમનો સર્વાગી વિકાસ થાય એ માટે સરકાર પ્રતિબધ્ધ છે. જેના ભાગરૂપે દિનદયાળ ઉપાધ્યાય રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન ગ્રામીણ વિસ્તારની બહેનો માટે સ્વસહાય જૂથોની રચના કરી તેઓને બચત અને આંતરિક ધિરાણ સાથે બેંકોને જોડી તેમનું આર્થિક ઉપાર્જન કાર્ય સતત કરી રહી છે. સરકારશ્રી દ્વારા સખી મંડળની બહેનોને ધિરાણ આપવા હેતુથી દર માસે કેશ ક્રેડિટ કેમ્પ કાર્યક્રમ કરવાનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે ગત માસ સુધીના કેમ્પમાં નવસારી જિલ્લામાં ૪૨૭૦ સખી મંડળોને કુલ રૂપિયા ૩૬૩૩.૬૯ લાખની ધિરાણ કરાયું છે.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઇ આહીર અને મહાનુભાવોના હસ્તે સ્ટેજ પરથી પ્રતિકાત્મકરૂપે પાંચ સખીમંડળોને ચેકો એનાયત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમમાં જિલ્લાની ૫૦ સખી મંડળોને રૂા.૬૦ લાખના કેશ ક્રેડિટ ધિરાણ સહાયના ચેકો આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં જલાલપોર તાલુકાના સામાપોર ગામની સતિમાં સ્વ સહાય જૂથના જાગૃતિબહેન આર પટેલ દ્વારા સાફલ્યગાથા રજૂ કરવામાં આવી હતી. સાથે નવા નિમણુંક પામેલા બેન્કસખી બહેનોને નિમણુંક પત્ર અને શ્રેષ્ઠ કામગીરી કરનાર બેન્ક મેનેજર અને સ્વસહાય જૂથોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામકશ્રી એમ.એસ.ગઢવી અને આભારવિધિ ડી.એલ.એમશ્રી મયૂરીબહેન વાડિયાએ કરી હતી. આ પ્રસંગે બેંક ઓફ બરોડા ગ્રામીણ બેંકના અધિકારીઓ અને સખી મંડળની બહેનો હાજર રહયા હતા.



