કેજરીવાલની ધરપકડ મામલે સુપ્રીમ કોર્ટે EDને ફટકારી નોટિસ
24 એપ્રિલ સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ

દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટે EDને નોટિસ જારી કરી છે. કોર્ટે EDને મોડામાં મોડું 24 એપ્રિલ અથવા તે અગાઉ જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ આ મામલાને 29 એપ્રિલથી શરૂ થતા અઠવાડિયા સુધી મુલતવી રાખવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેમની ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી શરૂ કરી. સુપ્રીમ કોર્ટે કેજરીવાલની ધરપકડને યથાવત રાખવાના દિલ્હી હાઈકોર્ટના આદેશ સામેની અરજી પર EDને નોટિસ જારી કરી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની ખંડપીઠે કેન્દ્રીય તપાસ એજન્સીને 24 એપ્રિલ સુધીમાં જવાબ દાખલ કરવા જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટે કેજરીવાલની અપીલ અરજી પર EDને નોટિસ જારી કરી છે અને સુનાવણી 29 એપ્રિલ સુધી મુલતવી રાખી છે. કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કેસમાં તારીખ માંગી હતી. તેના પર જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે કહ્યું કે અમે તારીખ આપી રહ્યા છીએ, પરંતુ તમે જે રીતે કહી રહ્યા છો એ રીતે અમે તારીખ ના આપી શકીએ. કેજરીવાલે ધરપકડ અને ED રિમાન્ડને પડકારતી અરજી ફગાવી દેવાના દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો છે.
કેજરીવાલના વકીલ સિંઘવીએ કહ્યું કે, કેજરીવાલને ચૂંટણીપ્રચારમાં જવાથી રોકવા માટે તેમની ધરપકડ કરાઈ છે.










